(ગની કુંભાર) ભચાઉ, તા. 16
શહેરમાં ટ્રાન્સપોર્ટમાંથી આયુર્વેદિક હર્બલ સીરપનો જથ્થો મગાવી કારમાં લઈ જતા શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો. આ કાર્યવાહી દરમ્યાન 1.84 લાખનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ નખત્રાણાના શખ્સ વિક્રમસિંહ રાણસિંહ રાઠોડે કચ્છ બહારથી હર્બલ સીરપ વેચાણ માટે મગાવી હોવાની બાતમીના આધારે આજે બપોરના અરસામાં કાર્યવાહી કરવામાં આવી હતી.
આરોપી ભુજમાં કચ્છ હાઈવે ટ્રાન્સપોર્ટમાંથી હર્બલ આયુર્વેદિક સીરપનો જથ્થો મગાવી નખત્રાણા લઈ જતો હતો. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જી.જે. 18 બી.બી. 8923 નંબરની કાર પસાર થતાં તેને રોકીને તપાસ કરવામાં આવી હતી. કારમાંથી આયુર્વેદિક સીરપનો જથ્થો મળી આવ્યો હતો. કારચાલક કોઈ આધાર-પુરાવા રજૂ કરી શક્યો ન હતો.
આ જથ્થો મોરબીના બિલાલે આપ્યો હોવાનું અને નખત્રાણાના મહાવીરસિંહ ચમનજી ચૌહાણને આપવા જતો હોવાની કેફિયત ઝડપાયેલા શખ્સે આપી હતી. પોલીસે આરોપીની 41-1-ડી તળે અટકાયત કરી હતી. પોલીસે 1239 નંગ બોટલો કબજે કરી હતી. ઝડપાયેલા શખ્સ પાસેથી મોબાઈલ ફોન પણ કબજે કરાયો હતો.