શ્રીનગર: કાશ્મીર ખીણમાં આતંકીઓના સફાયા માટે શરૂ કરાયેલા અભિયાનમાં છેલ્લા 72 કલાકમાં સેનાએ અનંતનાગ-બારામુલ્લા સહિતના ક્ષેત્રોમાં આતંકીઓને ઘેરી લીધા છે તથા બે દિવસ પુર્વે ભારતીય જવાનોની શહીદીનો બદલો લેતા ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા અને હજુ વધુનો પીછો કરવામાં આવી રહી છે.
અનંતનાગમાં જંગલમાં છુપાયેલા ત્રાસવાદીઓ સેનાની ધોસથી ફરી પાક કબજાના કાશ્મીરમાં ઘુસી ગયા છે પણ ઉરી-બારામુલ્લામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચેની અથડામણમાં ત્રણેય ત્રાસવાદીઓને ઠાર મારવામાં સફળતા મળી છે જેમાં બેના મૃતદેહો કબજે કરાયેલ છે. પાક સિમામાંથી આતંકીઓને બચાવવા પાક રેન્જર્સ પણ ગોળીબાર કરી રહ્યા હોવાનું જણાવતા જ વધારાની ટુકડીઓ અહી તૈનાત થઈ છે અને જરૂર પડે પાક દળોને પણ વળતો જવાબ અપાશે.
બીજી તરફ કોકરનાગના ગંડોલાના જંગલોમાં કેટલાક ત્રાસવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. સલામતી દળોએ મોર્ટારથી ત્રાસવાદી અડ્ડા મનાતા ક્ષેત્રો પર હુમલા કર્યા હતા તથા સેનાના હેલીકોપ્ટરને પણ કામે લગાવાયા છે તેમજ હાલમાં જ મેળવાયેલ ઈઝરાયેલી ડ્રોનને પણ જંગલ ક્ષેત્રમાં ત્રાસવાદીઓની શોધમાં કામે લગાવાયા છે.