નર્મદા ડેમમાં પાણીની જંગી આવક: સિઝનમાં પ્રથમવાર દરવાજા ખોલાયા

16 September 2023 03:48 PM
Gujarat
  • નર્મદા ડેમમાં પાણીની જંગી આવક: સિઝનમાં પ્રથમવાર દરવાજા ખોલાયા

► નર્મદા ડેમની સપાટી 136.36 મીટર: એક જ કલાકમાં 25 સેમીનો વધારો

► નર્મદા નદી ગાંડીતુર બની: ગામોમાં પાણી ઘૂસ્યા: ડેમનાં પાંચ દરવાજા ખોલાયા: ઓવરફલોમાં માત્ર 2.32 મીટરનું છેટુ

રાજકોટ તા.16 : ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, જેવા રાજયોમાં ફરી ચોમાસુ સક્રિય થયુ હોય તેમ વરસાદના મંડાણ થયા છે.પાડોશી રાજયોમાં ભારે વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી એવા નર્મદા ડેમની સપાટીમાં મોટો વધારો થવા લાગ્યો છે. જેના પગલે સીઝનમાં પ્રથમ વખત ડેમનાં પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે.

મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી ઈન્દિરાસાગર નદીના પાણી મહેશ્વર જેવા ગામોમાં ફરી વળ્યા હતા. ઉપરાંત ડેમમાં પણ જંગી આવક હતી. આજે બપોરની સ્થિતિએ નર્મદા ડેમની સપાટી 136.36 મીટર છે.એટલે તે છલકાવવામાં માત્ર 2.32 મીટરનું છેટુ છે.મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 1,66,371 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે, આથી સાવચેતીના ભાગરૂપે ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે.

આથી નર્મદા, ભરૂચ, વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારનાં ગામોને સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, એટલે કે સંપૂર્ણ ડેમ ભરાવામાં 2.32 મીટરનું છેટું છે. પાણીની ધરખમ આવકથી ડેમ છલોછલ થાય તોપણ નવાઈ નહીં. બીજી તરફ, ઈન્દિરાસાગર ડેમના 12 દરવાજા 10 મીટર ખોલવામાં આવ્યા છે તેમજ પાવરહાઉસના 8 યુનિટમાંથી કુલ 9.89 લાખ ક્યૂસેક પાણી છોડવાનું શરૂ થતાં નર્મદા ડેમમાં આવક વધી રહી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement