♦ ટ્રક ટેન્કર, મોટી ટાંકીઓ, જનરેટર, ઇલેક્ટ્રિક મોટર, હાઈડ્રોમીટર, મોબાઈલ ફોન અને જ્વલનશીલ જથ્થો મળી રૂ.1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ, તા.16
દોઢ લાખ લીટર બાયોડિઝલ કેસમાં 7 સામે ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધ્યો છે. કુવાડવા રોડ પર આવેલા ગોડાઉનમાં ક્રાઈમ બ્રાંચ પીઆઈ બી.ટી. ગોહિલ અને તેની ટીમે દરોડો પાડ્યો હતો. ટ્રક ટેન્કર, મોટી ટાંકીઓ, જનરેટર, ઇલેક્ટ્રિક મોટર, હાઈડ્રોમીટર, મોબાઈલ ફોન અને જ્વલનશીલ જથ્થો મળી રૂ.1 કરોડ 40 લાખ 68 હજારનો મુદ્દામાલ જપ્ત કરેલ છે.
થોડાં સમય પેહલાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ગાંધીનગરથી એસએમસીની ટીમે દરોડો પાડી વિપુલ પ્રમાણમાં બાયોડિઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાંડમાં ગાંધીનગર સુધી પડઘા પડ્યા હતા. બદલીઓ થઈ હતી. ત્યારે ગઈકાલે રાજકોટ ક્રાઇમ બ્રાંચે કુવાડવા રોડ પર આવેલ ત્રીનેત્ર મંદિર નજીક ચાલતાં બાયોડિઝલના ધંધામાં દરોડો પાડી અંદાજીત દોઢ લાખ લીટર બાયોડિઝલ અને વાહનો સહિતનો મુદ્દામાલ કબ્જે કરી બે શખ્સોની સ્થળ પરથી અટકાયત કરાઈ હતી. જ્યારે તપાસમાં સંચાલક, ગોડાઉન માલિક, ટેન્કર માલિક, પોરબંદરથી બાયોડિઝલ મંગાવનાર વ્યક્તિનું નામ ખુલતાં તેની શોધખોળ હાથ ધરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, બાયોડિઝલ સસ્તું મળતું હોવાથી ભારે વાહનો તેનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ આ બાયોડિઝલના કારણે એન્જિનમાં નુકસાની થતી હોવાથી તેની સામે પ્રતિબંધ મુકાયો હતો. હાલ ડીસીબી પોલીસ મથકે ગુનો નોંધાયો છે અને વધુ તપાસ ક્રાઈમ બ્રાંચ પીએસઆઇ ધવલ સાકરીયાને સોંપાઈ છે. આ કામગીરી ડીસીપી (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી (ક્રાઇમ) ભરત બસીયાના સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચ પીઆઈ બી.ટી.ગોહિલ, પીએસઆઇ ડી.સી.સાકરીયા, એ.એસ.આઇ. સુરેશભાઇ જોગરાણા, ભરતભાઇ વનાણી, હેડ કોન્સ્ટેબલ. અશોકભાઇ કલાલ, હરદેવસિંહ રાઠોડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ પરમાર, કોન્સ્ટેબલ સહદેવસિંહ જાડેજા, વિક્રમભાઇ લોખીલ દ્વારા કરવામાં આવી હતી.
જે જથ્થો સરકાર દ્વારા સિઝ હતો એ જ પાછો પકડ્યો: આરોપી પક્ષનો દાવો
બાયોડિઝલનો જથ્થો પકડાયો તે મારુતિ એન્ટરપ્રાઇઝના સંચાલક અને આરોપી પક્ષ દ્વારા દાવો કરાયો છે કે, અગાઉ પુરવઠા અધિકારી અને કલેકટર તંત્ર દ્વારા આ ગોડાઉનમાં કાર્યવાહી કરી બાયોડિઝલ સહિતનો મુદ્દામાલ સિઝ કરાયો હતો. કલેકટરે આ જથ્થો રાજ્યસાર કરવા હુકમ કર્યો હતો. જે હુકમ સામે આરોપી પક્ષ કોર્ટમાં ગયો હતો જ્યાં કોર્ટે આ જથ્થો રાજ્યસાર કરવાના હુકમ પર સ્ટે આપ્યો હતો. હાલ આ જથ્થાની મેટર કોર્ટમાં પેન્ડિંગ છે. છતાં પોલીસે આ કાર્યવાહી કરી છે.