નવી દિલ્હી: કેરળના કોઝિકોડમાં શુક્રવારે નિપાહ વાયરસના નવા કેસની પુષ્ટિ થઈ હતી, ત્યારબાદ આ ચેપથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા છ થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક બે રહ્યો છે. કેરળ નિપાહના કેસોમાં નવા ઉછાળા સામે લડી રહ્યું છે. મગજને નુકસાન પહોંચાડનાર વાયરસ ચેપગ્રસ્ત ચામાચીડિયા, ડુક્કર અથવા લોકોના શરીરના પ્રવાહીના સંપર્ક દ્વારા ફેલાય છે. આ વાયરસ 2018માં પહેલીવાર જોવા મળ્યો હતો.
પરિસ્થિતિને જોતા રાજ્ય સરકાર હાઈ એલર્ટ મોડમાં છે અને ચેપગ્રસ્ત વ્યક્તિઓના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરી રહી છે. કેરળના આરોગ્ય વિભાગે કહ્યું કે, તેણે પોઝિટિવ દર્દીઓની સંપર્ક સૂચિમાં કુલ 1,080 વ્યક્તિઓની ઓળખ કરી છે અને નમૂનાઓ એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. દરમિયાન, સરકાર વાયરસના ફેલાવાને રોકવા માટે પ્રયાસો કરી રહી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેરાત કરી કે, તે તેની સારવાર માટે ઓસ્ટ્રેલિયાથી મોનોક્લોનલ એન્ટિબોડીઝના 20 વધુ ડોઝ ખરીદશે.
ICMRના ડીજી રાજીવ બહલે જણાવ્યું હતું કે, ‘ઓસ્ટ્રેલિયાથી મંગાવવામાં આવતી દવા ચેપના પ્રારંભિક તબક્કા દરમિયાન આપવાની જરૂર છે.’ તેમના મતે, આ દવા ભારતમાં અત્યાર સુધી કોઈને આપવામાં આવી નથી. તેમણે કહ્યું કે નિપાહમાં સંક્રમિત લોકોનો મૃત્યુદર કોવિડમાં મૃત્યુદરની તુલનામાં ઘણો વધારે (40 થી 70 ટકાની વચ્ચે) છે. બહલે કહ્યું કે, ICMR આ વાયરલ રોગ સામે રસી વિકસાવવાનું કામ શરૂ કરવાની પણ યોજના બનાવી રહ્યું છે.