ગોંડલમાં 2 બાળકોના રહસ્યમય સંજોગોમાં ઉલટી થયા બાદ મોત: સઘન તપાસ

16 September 2023 04:44 PM
Gondal Crime Rajkot
  • ગોંડલમાં 2 બાળકોના રહસ્યમય સંજોગોમાં ઉલટી થયા બાદ મોત: સઘન તપાસ
  • ગોંડલમાં 2 બાળકોના રહસ્યમય સંજોગોમાં ઉલટી થયા બાદ મોત: સઘન તપાસ
  • ગોંડલમાં 2 બાળકોના રહસ્યમય સંજોગોમાં ઉલટી થયા બાદ મોત: સઘન તપાસ

► મૃતકમાં હરેશ 13 વર્ષનો અને રોહિત 3 વર્ષનો હતો, પિતા રાજેશ મકવાણા સેન્ટીંગ કામમાં મજૂરી કરે છે

► સાંજે દરગાહમાં ન્યાઝ જમ્યા પછી રાત્રે 11 વાગ્યા આસપાસ તબિયત બગડી, ગોંડલ બાદ રાજકોટ સિવિલમાં ખસેડતા ચાર કલાકની અંદર બન્ને ભાઈઓએ દમ તોડી દીધો

રાજકોટ, તા.16 : ગોંડલમાં 2 બાળકોના રહસ્યમય સંજોગોમાં ઉલટી થયા બાદ મોત થતા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. મૃતકમાં હરેશ 13 વર્ષનો અને રોહિત 3 વર્ષનો હતો. તેના પિતા રાજેશ મકવાણા સેન્ટીંગ કામમાં મજૂરી કરે છે. મૃતક બાળકોના માતા-પિતાના વીસેક દિવસ પહેલા જ છૂટાછેડા થયા હતા. બંને પિતા સાથે ગોંડલના વોરા કોટડા રોડ પર આવાસ ક્વાર્ટરમાં રહેતા. ગત સાંજે દરગાહમાં ન્યાઝ જમ્યા પછી રાત્રે 11 વાગ્યા આસપાસ તબિયત બગડી હતી. ગોંડલ બાદ રાજકોટ સિવિલમાં ખસેડતા ચાર કલાકની અંદર બન્ને ભાઈઓએ દમ તોડી દીધો હતો. એસપી જયપાલસિંહ રાઠોડે બનાવની ગંભીરતા સમજી તુરંત સઘન તપાસના આદેશ આપ્યા હતા.

► મૃતક બાળકોના માતા-પિતાના વીસેક દિવસ પહેલા જ છૂટાછેડા થયા હતા, બંને પિતા સાથે ગોંડલના વોરા કોટડા રોડ પર આવાસ ક્વાર્ટરમાં રહેતા

જેથી ગોંડલ વિભાગના ડીવાયએસપી કે.જી. ઝાલા, ગોંડલ સિટી પીઆઈ ડામોર સહિતના અધિકારીઓ રાજકોટ સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતા. પિતાની યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરાઈ છે. કંઈક હકીકત છુપાવતા હોવાની શંકા પોલીસને છે. આ તરફ બાળકોની માતાને માવતરે હોય, તેને પણ જાણ કરાઈ છે. પોલીસ પૂછપરછમાં બન્ને બાળકોના પિતા રાજેશ પ્રેમજી મકવાણા (વણકર)એ જણાવ્યું કે, હું ગોંડલના વોરા કોટડા રોડ પર આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહું છું. હું સેન્ટીંગ કામમાં મજૂરી કરું છું. વીસેક દિવસ પહેલા મારી પત્ની હિરલ સાથે મારા છૂટાછેડા થયા હતા. મારે સંતાનમાં બે દીકરા છે. જેમાં મોટા પુત્રનું નામ હરેશ છે જે 13 વર્ષનો હતો. નાના પુત્રનું નામ રોહિત હતું જે 3 વર્ષનો હતો.

છૂટાછેડા થયા પછી બન્ને બાળકો મારી પાસે રહેતા હતા. હરેશ 3 ધોરણ સુધી ભણ્યો, પછી કોરોના મહામારી આવતા સ્કૂલ બંધ થઈ પછીથી તે શાળાએ જતો નહોતો. ગઈકાલે સવારે 10 વાગ્યે હું ઘરેથી ગોંડલના બસ સ્ટેન્ડ ગયો. ત્યાંથી પુરી શાક લીધા. જે પછી ખોડિયાર હોટલમાંથી ઢોકળીનું શાક અને 10 રોટલી લીધી. રસ્તામાંથી એક ફ્રૂટ વાળાની રેકડી એથી 1 કિલો સફરજન લીધા હતા. ઘરે આવી 12 વાગ્યા આસપાસ મેં અને મારા બન્ને દીકરાએ જમી લીધું હતું. પછી અમે સુઈ ગયા હતા. 3 વાગ્યે હું ઉઠ્યો છોકરાવને નવડાવ્યા હતા અને દરગાહે જવા તૈયાર કર્યા હતા. રાજેશે વધુમાં જણાવ્યું કે, હું અને મારા બન્ને પુત્રો ચારેક વાગ્યા આસપાસ ગોંડલના ગંજીવાડામાં આવેલ હાજી મુસા બાપુની દરગાહે પહોંચ્યા હતા.

► ડીવાયએસપી કે.જી. ઝાલા, પીઆઈ ડામોર સહિતના અધિકારીઓ રાજકોટ સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા, પિતાની યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ, કંઈક હકીકત છુપાવતા હોવાની શંકા

જ્યાં દર્શન કર્યા હતા. છોકરાઓ દોઢેક કલાક ત્યાં રમ્યા હતા. જે પછી સાંજે ત્યાં ન્યાજ (પ્રસાદી જમણવાર) હોય, મેં અને મારા બંને દીકરાઓએ દાળભાત અને જલેબીની ન્યાજ જમી હતી. જે પછી રાત થવા આવી ત્યારે અમે ઘરે પહોંચ્યા હતા. થોડી વાર સુતા હતા ત્યાં જ રાત્રે 11 વાગ્યા આસપાસ મારા બન્ને પુત્રો ઉલટી કરવા લાગ્યા હતા. જેમાં નાના દીકરા રોહિતને 3 વખત ઉલટી થઈ અને મોટા દીકરા હરેશે બે વખત ઉલટી કરી. જેથી હું તુરંત બન્નેને ગોંડલ સરકારી હોસ્પિટલમાં લાવ્યો હતો. જ્યાં રોહિત અને હરેશે ખૂબ જ પેટમાં દુ:ખતું હોવાની ફરિયાદ ડોકટર સમક્ષ કરી હતી. અત્રે તબિયતમાં સુધારો ન જણાતા મારા બન્ને દીકરાઓને રાજકોટ સિવિલ હોસ્પિટલની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં રીફર કરાયા હતા.

જ્યાં સારવાર દરમિયાન મોડી રાત્રે 2.25 વાગ્યા આસપાસ રોહિતને ડોક્ટરે તપાસી મૃત જાહેર કરેલ અને 2.59 વાગ્યા આસપાસ હરેશને મૃત જાહેર કરાયો હતો. આ બનાવ બનતા જ કંઈક શંકા સ્પદ જણાતા ગોંડલ સિટી પોલીસનો સ્ટાફ દોડતો થયો હતો. પીએસઆઇ ઝાલા સહિતનો એક સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. બન્ને બાળકોના મોત શંકાસ્પદ હોવાથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવા તજવીજ કરાઈ હતી. બન્ને બાળકોના વિશેરા લેવાયા છે. જેની ફોરેન્સિક લેબમાં ચકાસણી થશે. બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું કે પછી અન્ય કોઈ કારણ? તે જાણવા ડીવાયએસપી કે.જી. ઝાલા, ગોંડલ સિટી પીઆઈ શ્રી ડામોર સહિતના અધિકારીઓએ પણ તપાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

પોલીસને આટલા સવાલોના જવાબ શંકા ઉપજાવી રહ્યા છે
બન્ને બાળકોએ છેલ્લે દરગાહ ખાતે ન્યાઝમાં જમ્યુ હતું. ત્યાં બાળકો સાથે તેના પિતાએ પણ જમ્યુ હતું. તો પિતાને કેમ કોઈ તકલીફ નથી થઈ? ઉપરાંત અનેક લોકોએ પ્રસાદી લીધી હતી. તેમાંથી કોઈ એક-બે વ્યક્તિને પણ ઉલટી થઈ નથી. એવો કોઈ કેસ પણ સામે આવ્યો નથી. ફક્ત આ બે બાળકોને જ કેમ ઉલટી થઈ? ન્યાઝમાં જમ્યા સિવાય બાળકો બીજે ક્યાંય જમ્યા હતા? અન્ય કોઈ વસ્તુ ખાધી હતી? કે પછી કોઈએ અન્ય કોઈ વસ્તુ ખવડાવી હતી. બાળકોની તબિયત અચાનક જ બગડી. રાત્રે 11 વાગ્યે પ્રથમ ઉલટી થઈ પછી 3 વાગ્યા સુધીમાં ચાર કલાકમાં બન્ને બાળકોના મોત થઈ ચૂક્યા હતા. ન્યાઝમાં સાંજે જમ્યા હતા. તો છેક રાત્રે ઉલટી કેમ થઈ? આવા અનેક સવાલોના પોલીસ જવાબ શોધી રહી છે.

પિતાની વાતમાં કેટલું તથ્ય
બન્ને બાળકોના પિતા રાજેશનું કહેવું છે કે, છેલ્લે બન્ને બાળકોએ દરગાહ ખાતે ન્યાઝમાં જ જમ્યુ હતું. જે પછી બીજી કોઈ વસ્તુ ખાધી નથી. પરંતુ પોલીસને આ બાબતે શંકા છે. પિતાની વાતમાં કેટલું તથ્ય છે? તે જાણવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઉપરાંત પિતા રાજેશની પણ સિવિલ હોસ્પિટલ ખાતે જ આગવી ઢબે પૂછપરછ કરાઈ રહી છે.

બન્ને બાળકોના ઝેરથી મોત થયાનો પ્રાથમિક પીએમ રિપોર્ટમાં ધડાકો
પોસ્ટમોર્ટમ રૂમના સૂત્રો અને ગ્રામ્ય પોલીસના આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે કે, ફોરેન્સિક પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં એવી હકીકત સામે આવી છે કે, ઝેર પીવાથી બન્ને બાળકોના મોત થયા છે. હાલ વિશેરા લઈ લેબમાં મોકલાયા છે. જેનું આગળનું પરીક્ષણ થશે. આ તરફ સવાલો એ છે કે, બાળકોના ઉદરમાંથી ઝેરના પુરાવા મળ્યા તે ઝેર કોઈએ એમને પીવડાવ્યું? તેઓએ જાતે પીધું? કે પછી અન્ય કોઈ વસ્તુમાં ભેળવી બાળકોને ઝેર અપાયું? આ તમામ સવાલો વચ્ચે આ મામલો વધુ ગૂંચવળ ભર્યો થયો છે. બાળકોની દફનવિધિ થશે. આ તરફ પોલીસ સતત બાળકોના પિતા સહિતના પરિવારજનો પર વોચ રાખી રહી છે.

મૃતક બાળકોના માતા હિરલબેનનું માવતર આલીદર બોલીદર, પિતા રાજેશ મૂળ રાજકોટનો વતની, પાંચ વર્ષથી ગોંડલ રહેતા
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, મૃતક બાળકોના માતા હિરલબેનનું માવતર કોડીનાર નજીક આલીદર બોલીદર છે. તેઓને આ બનાવની જાણ કરવામાં આવી છે. આ સિવાય જાણવા મળ્યું છે કે, પિતા રાજેશ મૂળ રાજકોટનો વતની છે. અત્રે 15 વર્ષ કોઠારીયા સોલ્વન્ટમાં પરિવાર સાથે રહેતો હતો. છેલ્લા પાંચ વર્ષથી પરિવાર ગોંડલ રહેવા ગયો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement