◙ 100 ઓવરનો મેચ માત્ર 21.3 ઓવરમાં ખત્મ: 14 રેકોર્ડ સર્જાયા: બેટીંગ-ફિલ્ડીંગમાં ભારતનું અભૂતપૂર્વ પ્રદર્શન
કોલંબો,તા.18
આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત એશિયાનું સરતાજ બન્યુ છે. એશીયા કપની ફાઈનલમાં શ્રીલંકાને હરાવીને આસાન વિજય મેળવ્યો હતો.એશિયાકપનાં ઈતિહાસનો આ સૌથી મોટો વિજય હતો તેમાં 14 જેટલા રેકર્ડ સર્જાયા હતા. હવે ભારતનો ટારગેટ આવતા માસથી શરૂ થનારો વર્લ્ડકપ બનશે તે સ્પષ્ટ છે.
એશિયાકપની ફાઈનલમાં બોલીંગ-બેટીંગ તથા ફિલ્ડીંગમાં ભારતે અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું હતું.ફાઈનલ મેચની શરૂઆત પૂર્વે જ ઝાપટુ વરસતા ક્રિકેટપ્રેમીઓમાં ઉચાટ સર્જાયો હતો.પરંતુ ભારતની જીતમાં વિઘ્ન નાખવાનો મેઘરાજાનો આ ઈરાદો ન હોય તેમ થોડી જ મીનીટોમાં વરસાદ થંભી જવા સાથે ફાઈનલ મેચ શરૂ થઈ શકયો હતો. શ્રીલંકાએ ટોસ જીતીને દાવ લેવાનું પસંદ કર્યું હતું પરંતુ આ નિર્ણય બૂમરેંગ થઈ ગયો હોય તેમ ભારતનાં બોલીંગ આક્રમણ સામે શ્રીલંકા ચતુપાટ થઈ ગયુ હતું.
બુમરાહે પ્રથમ જ ઓવરમાં કુસલ પરેરાને આઉટ કરીને પ્રથમ ઝટકો આપ્યા બાદ મોહમ્મદ સિરાજે કમાલ કરી હતી. પોતાની બીજી અને ઈનીંગની ચોથી ઓવરમાં તેણે 6 દડામાં 4 વિકેટ ખેડવીને શ્રીલંકાને ધરાશાયી કરી દીધુ હતું. ઓવરના પ્રથમ, ત્રીજા, ચોથા અને છઠ્ઠા દડામાં વિકેટો લીધી હતી.
શ્રીલંકાની માઠી દશા હોય તેમ આ પછી પણ વિકેટોનો સીલસીલો જારી રહ્યો હતો. 12 રનમાં 6 વિકેટ ખડી ગયા બાદ સાતમી વિકેટમાં 21 રનની ભાગીદારી થયા બાદ ફરી વિકેટોનું પતન શરૂ થયુ હતું અને આખી ટીમ 50 રનમાં સમેટાઈ ગઈ હતી. સીરાજે 6, હાર્દિક પંડયાએ 3 તથા બુમરાહે એક વિકેટ લીધી હતી. શ્રીલંકાનાં માત્ર બે બેટધરો જ બે આંકડામાં સ્કોર કરી શકયા હતા.
ભારત વિરૂદ્ધ કોઈપણ ટીમનો આ સૌથી ઓછો સ્કોર હતો.51 રનના ટારગેટને પાર કરવા ભારતે કપ્તાન રોહીત શર્માને બદલે ગીલ સાથે ઈશાન કિશનને મોકલ્યો હતો ઓપનીંગ જોડીએ માત્ર 6.1 ઓવરમાં ટારગેટ પાર કરી લીધો હતો.263 દડા બાકી રહી ગયા હતા અને તેના આધારે એશીયાકપનાં ઈતિહાસની આ સૌથી મોટી જીત બની હતી.
100 ઓવરની મેચ માત્ર 21.3 ઓવરમાં આટોપાઈ ગઈ હતી. શ્રીલંકા 15.2 ઓવર રમ્યુ હતું. જયારે ભારત 6.1 ઓવર રમ્યુ હતું. એશીયાકપની ફાઈનલમાં કુલ 14 જેટલા રેકોર્ડ સર્જાયા હતા.
ભારત પાંચ વર્ષ બાદ એશીયન ચેમ્પીયન બન્યુ છે. હવે ભારતનો ટારગેટ વિશ્વ વિજેતા બનવાનો રહેશે.ભારતમાં આવતા મહિનાથી ક્રિકેટ વર્લ્ડકપ શરૂ થઈ રહ્યો છે તે જીતવાના લક્ષ્યાંક સાથે ભારત તૈયારી શરૂ કરશે.
તમામ 10 વિકેટ ફાસ્ટ બોલરોને ફાળે
એશીયાકપની ફાઈનલમાં ભારતીય ફાસ્ટ બોલરોએ જ શ્રીલંકાને ભોંભેગુ કરી દીધુ હતું. સિરાજે 6, હાર્દિકે 3 અને બુમરાહે એક વિકેટ ખેડવી હતી. તમામ 10 વિકેટો ફાસ્ટ બોલરોએ ઝડપી હોય તેવી ભારતીય ટીમ પાક પછી બીજી બની હતી.
ભારતે બીજી વખત 10 વિકેટે ફાઈનલ જીત્યો
ભારત 8મી વખત એશીયાકપ વિજેતા બન્યુ છે.ગઈકાલનાં મેચમાં 10 વિકેટે જીત મેળવી હતી. ભારતે બીજી વખત ફાઈનલમાં 10 વિકેટે જીતની સિદ્ધિ મેળવી હતી.આ પૂર્વે 1998 માં શારજાહ ખાતે ફાઈનલ જંગમાં 10 વિકેટે ઝીમ્બાબ્વેને હરાવ્યું હતું.
6ઠ્ઠા નંબરની સૌથી ઝડપી જીત મેળવી
વન-ડે મેચમાં સૌથી ઝડપી વિજયના લીસ્ટમાં પણ ભારતનું નામ ઉમેરાયું છે. ઈનીંગનાં 263 દડા બાકી હતા ત્યારે જ ભારતે મેચ જીતી લીધો હતો અને 6ઠ્ઠા નંબરની સૌથી ઝડપી જીત મેળવી હતી. ઈંગ્લેન્ડે 1979 માં કેનેડાને 277 દડા બાકી હતા ત્યારે જ હરાવી લીધુ હતું. તે ઈનીંગની સૌથી ઝડપી જીત હતી.
24 વર્ષે ભારતે બદલો લઈ લીધો: 1999 માંશ્રીલંકાએ ભારતને 54 રનમાં આઉટ કર્યું હતું
એશીયાકપની ફાઈનલમાં રેકોર્ડની હારમાળા સર્જાવાની સાથોસાથ ભારતે 24 વર્ષ પૂર્વેની કરારી હારનો પણ બદલો લઈ લીધો હતો. 1999 માં ચેમ્પીયન્સ ટ્રોફીની ફાઈનલમાં શ્રીલંકાએ ભારતને માત્ર 54 રનમાં ઢેર કરી દીધુ હતું. હવે 24 વર્ષે ભારતે-શ્રીલંકાને જ 54 કરતા પણ ઓછા 50 રનના જુમલે આઉટ કરીને બદલો લીધો હતો.
10માં નંબરનો સૌથી ઓછો સ્કોર
વન-ડે ક્રિકેટમાં સૌથી ઓછો સ્કોર ઝીમ્બાબ્વેનાં નામે છે. 2004 માં શ્રીલંકા સામે ઝીમ્બાબ્વે માત્ર 18 ઓવરમાં 35 રનમાં ઓલઆઉટ થઈ ગયુ હતું. ગઈકાલે ભારતે શ્રીલંકાને 50 રનમાં સમેટયુ હતું જે વન-ડે ઈતિહાસનો 10 માં નંબરનો સૌથી ઓછો સ્કોર છે.
ત્રીજા નંબરનો સૌથી ટુંકો વન-ડે મેચ બન્યો
ભારત-શ્રીલંકા વચ્ચેનો એશીયા કપનો ફાઈનલ માત્ર 21.3 ઓવરમાં જ પુરો થઈ ગયો હતો.વન-ડે ક્રિકેટ ઈતિહાસનો આ ટુંકો મેચ બન્યો હતો. આ મેચમાં 129 દડા રમાયા હતા. આ પુર્વે 2020 માં નેપાળ-અમેરીકાનો મેચ 104 દડા તથા 2001 માં ઝીમ્બાબ્વે-શ્રીલંકાનો મેચ 120 દડામાં પૂર્ણ થયો હતો.
ઓન્લી સીરાઝ:રેકોર્ડની હારમાળા
► એશિયાકપનો ફાઈનલ મેચ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજના નામે રહ્યો હતો. સિરાજનાં નામે અનેક સિદ્ધિ ઈતિહાસના પાને આલેખાઈ ગઈ છે.
►સિરાજે સૌથી ઓછા દડામાં પાંચ વિકેટ ઝડપ્યાનાં વિક્રમની બરાબરી કરી હતી. તેણે માત્ર 16 દડામાં પાંચ વિકેટ લીધી હતી આ પૂર્વે 2003 માં શ્રીલંકાના ચામીંડાવાસે બાંગ્લાદેશ સામેની મેચમાં 16 દડામાં પાંચ વિકેટ ઝડપી હતી.
►એશીયા કપમાં કોઈપણ બોલરમાં સિરાજનું બીજા નંબરનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. 2008 માં અંજના મેન્ડીસે 13 રનમાં 6 વિકેટ ભારત વિરૂદ્ધનાં કરાંચી મેચમાં ઝડપી હતી. આ બે સિવાય અન્ય કોઈ બોલરોએ એશીયાકપની એક જ મેચમાં 6 વિકેટો ઝડપી હતી.
►સૌથી તેજ 50 વિકેટ ઝડપનાર સિરાજ ચોથો ભારતીય બોલર બન્યો છે. ચહલે 30 મેચમાં આ સિધ્ધિ મેળવી હતી. સિરાજે 29 મેચમાં વન-ડેની 50 વિકેટ ઝડપીને મોહમ્મદ શામીની બરાબરી કરી હતી. અજીત અગરકરે 23 મેચમાં, કુલદીપે 24 મેચમાં, તથા બુમરાહે 28 મેચમાં આ સિધ્ધિ મેળવી હતી.
►સિરાજે 1002 દડામાં કેરીયરની 50 વિકેટ મેળવી છે. સૌથી ઓછા દડામાં આ સિદ્ધિ મેળવનાર સિરાજ દુનિયાનો બીજા નંબરનો બોલર બન્યો છે. શ્રીલંકાનાં અજંતા મેન્ડીસનાં નામે 847 દડામાં 50 વિકેટ પૂર્ણ કરવાનો રેકોર્ડ છે.
► એક ઓવરમાં જ 4 વિકેટ લેનાર સિરાજ દુનિયાનો 4થો બોલર બન્યો છે. નિસંકા, સદીરા, સમરવિક્રમા, આસલંકા તથા ધનંજય ડી’સીલ્વાને તેણે એક જ ઓવરમાં આઉટ કર્યા હતા.
પ્લેયર ઓફ ધ મેચની રકમ સિરાજે ગ્રાઉન્ડ સ્ટાફને દાન કરી
શ્રીલંકા સામેના ફાઈનલ જંગમાં સિરાજે કમાલ કરી હતી અને પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો.ઈનામરૂપે 5000 ડોલર (અંદાજીત ચાર લાખ રૂપિયા) મળ્યા હતા. આ રકમ તેણે ગ્રાઉન્ડ સ્ટાફને દાન કરી દીધી હતી. આ ઉપરાંત એશીયાકપ ક્રિકેટ કાઉન્સીલે પણ ગ્રાઉન્ડ સ્ટાફને 50,000 ડોલર આપવાનું જાહેર કર્યું હતું.
અરે...અમે વર્લ્ડ કપ જીતીએ પછી ફટાકડા ફોડો યાર...
ભારતે ગઈકાલે ફાઈનલમાં કોલંબોમાં શ્રીલંકાને 50 રનમાં ઓલ આઉટ કર્યા બાદ આસાનીથી 10 વિકેટે જીતી હતું. આ સાથે ભારત 8મી વખત એશિયા કપ જીત્યું હતું. મેચ જીત્યા બાદ ભારતીય ટીમ કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ સંબોધન કર્યું હતું. તે દરમ્યાન એકાએક ફટાકડા ફૂટવા લાગ્યા. તે સમયે રોહિત શર્માને થોડી વખત સ્પીચ રોકવી પડી, અને પછી તેઓ રમૂજમાં બોલ્યા, અરે અમે વર્લ્ડ કપ જીતી પછી ફટાકડા ફોડશો.. રોહિતે જણાવ્યું કે વર્લ્ડ કપ પહેલા આ ટુર્નામેન્ટ જીતવી ખૂબ જ મહત્વની ગણાય છે.
એશિયાકપ વિજેતા ભારતીય ટીમને 1.25 કરોડનું ઈનામ: રનર્સઅપ શ્રીલંકાને રૂા.65 લાખ
પ્લેયર ઓફ ધ સીરીઝ કુલદીપ યાદવ બન્યો
એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારત ચેમ્પીયન બન્યુ છે. ચેમ્પીયન ટીમને 1.50 લાખ અમેરિકી ડોલર (અંદાજીત 1.25 કરોડ રૂપિયા) ઈનામ રૂપે મળ્યા હતા. જયારે રનર્સ અપ બનેલી શ્રીલંકાની ટીમને 75000 ડોલર (65 લાખ રૂપિયા) મળ્યા હતા.
એશિયાકપમાં પ્લેયર ઓફ ધ સીરીઝ કુલદીપ યાદવને જાહેર કરાયો હતો જેમાં 15000 ડોલર (12.50 લાખ)નું ઈનામ અપાયુ હતું. પ્લેયર ઓફ ધ મેચ મોહમ્મદ સિરાજ 5000 ડોલર (4.15 લાખ) તથા કેચ ઓફ ધ મેચનું 3000 ડોલર (2.50 લાખ રૂપિયા)નું ઈનામ રવિન્દ્ર જાડેજાને મળ્યું હતું.
ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી તથા એશિયન કાઉન્સીલના વડા જય શાહના હસ્તે ચેમ્પીયન ટીમ ભારતના કપ્તાન રોહીત શર્માને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.