પાકિસ્તાન જેલમાં મૃત્યુ પામેલ કોડીનારનાં નાનાવાડા ગામનાં માછીમારનો મૃતદેહ માદરે વતન પહોંચ્યો

18 September 2023 12:33 PM
Veraval
  • પાકિસ્તાન જેલમાં મૃત્યુ પામેલ કોડીનારનાં નાનાવાડા ગામનાં માછીમારનો મૃતદેહ માદરે વતન પહોંચ્યો
  • પાકિસ્તાન જેલમાં મૃત્યુ પામેલ કોડીનારનાં નાનાવાડા ગામનાં માછીમારનો મૃતદેહ માદરે વતન પહોંચ્યો

45 દિવસે મૃતદેહ ગામમાં પહોંચતા પરિવારમાં આક્રંદ: ગામમાં શોક

(દિનેશ જોષી) કોડીનાર, તા.18 : પાકિસ્તાન જેલમાં મોત ને ભેટેલા કોડીનારના નાનાવાડા ગામના માછીમારનો મૃતદેહ 45 દિવસે માદરે વતન પહોંચતા પરિવારમાં કાળો કલ્પાંત.ગામ માં શોક નું મોજું ફરી વળ્યુ.18 માસ પાક જેલમાં બંધ રહ્યા બાદ આખરે મૃતદેહ જ પરત આવ્યો હતો.

પાકિસ્તાન જેલમાં વધુ એક ભારતીય માછીમારે દમ તોડયો છે. ગીર સોમનાથ જીલ્લા ના કોડીનાર તાલુકાના નાનાવાડા ગામના જગદીશ ભાઈ મંગળભાઈ બાંભણિયા (ઉ .વ.35) નામના યુવાન માછીમારનું પાકિસ્તાન કરાચી ની લાડી જેલમા મોત થતા મૃતદેહ આજે માદરે વતન નાનાવાડા લાવવામાં આવ્યો હતો.

45 દિવસ પહેલા આ માછીમાર ને હાર્ટ એટેક આવવાના કારણે મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. આજે ફિશરીઝ વિભાગના ડો.પરવેઝ મહીડા (આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ ઓફ ફિસરીઝ. સી .પોરબંદર) દ્વારા મૃતદેહ નાનાવાડા ગામે તેમના પરિવાર ને સોંપવામાં આવ્યો છે. જગદીશભાઈ આજથી 18 માસ પહેલા પોરબંદરની મહા કેદારનાથ એમએમ 25 ખખ 5524 બોટ સાથે ફિશિંગ કરતા હતા

ત્યારે પાક મરીન બોટ સાથે અન્ય ખલાસીઓ પણ ઉઠાવી ગઈ હતી. પરંતુ જગદીશભાઈ નું ગત 6/8/2023ના રોજ હાર્ટ એટેક થી મોત થયું હતું. જગદીશભાઈ ત્રીજી વખત પાક મરીન ના હાથે ઝડપાયા છે બે વખત તે મુક્ત થઈ માદરે વતન આવ્યા હતા પરંતુ ત્રીજી વખત તે ફરી પકડાયા હતા અને તે હાલમાંજ 100 ભારતીય માછીમારો મુક્ત થવાના છે જેમાં તે પણ મુક્ત થવાના હતા પરંતુ તેનું મોત નિપજ્યું અને 45 દિવસ વીત્યા બાદ તેનો મૃતદેહ માદરે વતન આવતા ગામમાં શોક નું મોજું ફરી વળ્યુ હતુ.

અત્રે ઉલ્લેખનીય છેકે મૃતક માછીમાર પરિવાર અને ગામના આગેવાનો એ મૃતદેહ માદરે વતન પહોંચતા સરકારનો આભાર માન્યો. જ્યારે પરિવારજનો એ સરકાર ને અપીલ કરી હતી કે હજુ પાકિસ્તાન માં અનેક માછીમારો જેલ માં બંધ છે જેમાંથી મોટાભાગના ગંભીર બીમારી થી પીડાય રહ્યા છે, જીવન મરણ વચ્ચે જજૂમી રહ્યા છે. ત્યારે આ તમામ માછીમારો વહેલી તકે માદરે વતન સદેહે પહોંચે તે માટે સરકાર યોગ્ય કરે તેવી અપીલ કરવામાં આવી છે.


Advertisement
Advertisement
Advertisement