(કુંજન રાડીયા)જામખંભાળિયા, તા.18 : કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના ડ્રીમ પ્રોજેકટ પૈકીના ઓખા બેટ દ્વારકા વચ્ચે નિર્માણાધીન - સિગ્નેચર બ્રીજની કામગીરી 95 ટકા પૂર્ણ થઈ ગઈ છે. રાજયના ઐતિહાસિક અને પ્રવાસનની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ કેન્દ્રોના વિકાસ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પ્રોજેકટ્સ અમલમાં મૂકયા છે, તે પૈકીના સિગ્નેચર બ્રીજની કામગીરી હાલ પૂર્ણતાને આરે છે. ઓખાથી બેટ દ્વારકા વચ્ચેનો સિગ્નેચર બ્રીજ વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેકટ માનવામાં આવે છે.
આ બ્રિજ 2320 મીટરની લંબાઈનો છે. જે માટે અંદાજિત રૂ. 978 કરોડનો ખર્ચ થયો છે. અહીં દર્શનાર્થીઓ માટે વ્યુઈંગ ગેલેરી સહિતની વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. બેટ દ્વારકાએ હિન્દુ ધર્મના પ્રમુખ તીર્થસ્થાન હોવાની સાથે સાથે ભૌગોલિક રીતે ટાપુ પર આવેલ તીર્થસ્થાન હોય, અહીં દરરોજ હજારો તીર્થયાત્રીઓ આવતા હોવાથી અહીં પહોંચવા માટે ઓખા - બેટ દ્વારકા વચ્ચે હાલ આવા-ગમન માટે એકમાત્ર ફેરીબોટ સર્વિસ ઉપલબ્ધ છે. હાલમાં નિર્માણાધીન સિગ્નેચર બ્રીજ બન્યા બાદ દર્શનાર્થીઓ રોડ માર્ગે બેટ દ્વારકા જઈ શકશે.
રૂ. 978 કરોડના ખર્ચ નિર્માણાધીન સિગ્નેચર બ્રીજની લંબાઈ 2320 મીટર છે. આ બ્રીજ પર દરિયાઈ બાર્જ ક્રેનથી સમુદ્રમાં 38 પીલર્સ ઊભા કરવામાં આવ્યા છે. આ બ્રીજની કામગીરી વર્ષ 2018 માં શરૂ કરાઈ હતી. જેને ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાની હતી. પરંતુ કોરોનાકાળ અને અન્ય અંતરાયોને લીધે વિલંબ થયા બાદ હાલ 95 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. હવે સંભવત: આગામી ઓકટોબર અથવા નવેમ્બર માસમાં આ બ્રીજ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય તેવી પૂરી શકયતાઓ જોવા મળી રહી છે.
સિગ્નેચર બ્રીજની આગવી વિશેષતાઓ:
* બ્રીજની લંબાઈ 2320 મીટર રહેશે જેમાં 900 મીટર કેબલ સ્ટેયડ ભાગ રહેશે.
* ઓખા - બેટ દ્વારકા બંને તરફ 2452 મીટર એપ્રોચ રોડ બનાવવામાં આવશે.
* બ્રીજના મુખ્ય ગાળાની લંબાઈ 500 મીટર છે. દેશમાં સૌથી વધુ લંબાઈ ધરાવતો ગાળો છે.
* વાહનો પાર્ક કરવા ઓખા તરફ પાર્કિંગ બનાવવામાં આવશે.
* બ્રીજના મુખ્ય ગાળામાં 130 મીટર ઊંચાઈ ધરાવતા બે પાયલોન છે.
* આ ફોરટ્રેક બ્રીજની પહોળાઈ 27,20 મીટર છે જેમાં બંને તરફ 2.5 મીટરનો પણ બનાવવામાં આવશે.
કૂટપાથ.
* ફૂટપાથ પર લગાવેલ સોલાર પેનલથી 1 મેગાવોટ વિજળીનું ઉત્પાદન થશે જેનો ઉપયોગ બ્રીજ પરની લાઈટીંગ માટે કરવામાં આવશે. વધારાની વિજળી ઓખા ગામની જરૂરીયાત માટે આપવામાં આવશે.
* બ્રીજ પર કુલ 12 લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યુ ગેલેરીનું આયોજન કરવામાં આવ્યું છે.
* બ્રીજ પર રાત્રિ દરમ્યાન ડેકોરેટીવ લાઈટીંગની વ્યવસ્થા કરવામાં આવશે.
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ એવા આ સિગ્નેચર બ્રિજનું કામ આગામી દિવસોમાં પૂર્ણ થઈ જતાં સંભવત: દિવાળીના તહેવાર પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ બ્રિજને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આ સહિતના અન્ય વિકાસ કાર્યો માટે તંત્ર દ્વારા પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.