વેરાવળ: હિરણ-2 ડેમની મુખ્ય પાણીની લાઇનમાં તોડફોડ કરનારા સામે પગલા ભરો

18 September 2023 01:59 PM
Veraval
  • વેરાવળ: હિરણ-2 ડેમની મુખ્ય પાણીની લાઇનમાં તોડફોડ કરનારા સામે પગલા ભરો

વેરાવળ, તા.18 : વેરાવળ સોમનાથ શહેરને પીવાનું પાણી ઉમરેઠી ખાતે આવેલ હિરણ-2 ડેમમાંથી આવતી મુખ્ય પાણીની લાઈનમાં બાયપાસ હાઈવે ઉપર અસામાજીક તત્વો દ્વારા જાણી જોઈને તોડફોડ કરતા હોવાથી શહેરમાં પાણી વિતરણની કામગીરી ખોરવાઈ જાય છે. આવું છેલ્લા અઠવાડિયામાં ત્રણેક વાર થયું હોવાથી આવા કરનાર અસામાજીક તત્વોને શોધી કાઢી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા નગરપાલીકાના અધિકારીએ સીટી પીઆઈને લેખિત રજુઆત કરી છે.

વેરાવળ પાલીકાના ચીફ ઓફીસર ચેતન ડુડિયા અને વોટર વર્કસ અધિકારી જેઠાભાઈ સોલંકીએ પોલીસને કરેલ લેખિત રજુઆતમાં જણાવેલ કે, જોડીયા શહેરને પીવાનું પાણી પુરૂ પાડવા માટે ઉમરેઠીના હિરણ-2 ડેમથી તાલાલા ઓવરબ્રીજ થઈ બાયપાસ હાઈવે ઉપરની સાઈડમાં 700-ડાયાની મુખ્ય પાણીની પાઈપ લાઈન પસાર થાય છે. આ લાઈન મારફત દરરોજ શહેરમાં પાણી વિતરણ થાય છે. દરમ્યાન છેલ્લા અઠવાડીયામાં ત્રણેક વખત આ પાણીની લાઈનના પાઈપમાં કોઈ અસામાજીક તત્વો દ્વારા ડેમેજ કરી ભંગાણ કરી રહ્યા છે.

જેના કારણે શહેરની પાણી વિતરણ વ્યવસ્થામાં ખોરવાઈ જાય છે. જેમાં ગઈકાલે બપોરના સમયે સ્થળ તપાસ સમયે ફરી પાણીની લાઈન ડેમેજ કરવામાં આવેલ હોવાનું ધ્યાને આવેલ હતુ. આ પાણીની લાઈનમાં વારંવાર થતા ભંગાણના કારણે શહેરીજનો વિતરણ કરાતા પીવાના પાણીની સપ્લાય બંધ થઈ જતા પાલીકા તંત્ર અને પ્રજા બંન્ને હેરાન થાય છે. ત્યારે જાણી જોઈને બદઈરાદા પૂર્વક આવું હીનકૃત્ય કરનાર અસામાજીક તત્વોને શોધી કાઢવા યોગ્ય તપાસ કરી કાયદેસરની દાખલારૂપ કાર્યવાહી કરવા માંગણી કરી છે.


Advertisement
Advertisement
Advertisement