(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 18 : રાજકોટના લોખંડના વેપારીએરૂ.2000ની નોટો 20 ટકા કમિશનની લાલચમાં આવ્યા હતા. જેમાં સિધ્ધસરના યુવાને ડુપ્લિકેટ 2000ની 50 લાખનું બંડલ પધરાવી દીધું હતું. જેની વેપારીને જાણ થતા રૂ.500ના દરની રૂ.40 લાખ લઇને છૂ થયેલા યુવાન અને અજાણ્યા શખસ સામે સાયલા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. દેશમાં રૂ. 2000ની ચલણની નોટ આગામી તા. 30 સપ્ટેબર તારીખથી બંધ થવાની છે ત્યારે લોકો પાસે રહેલી 2000ની ચલણી નોટો મોટા પ્રમાણમાં બજારમાં આવી છે.
રાજકોટના લોખંડના વેપારી ગૌતમભાઇ બટુકભાઇ ચૌહાણને તેના માસીના દીકરા ચેતનભાઇએ એક પાર્ટી પાસેરૂ. 2000ની નોટો છે અને તે બદલાવી છે. તેવી વાત કરતા ફાયદો અને કમિશનની લાલચમાં આવીને ગૌતમભાઇએ અન્ય મિત્રો સાથે મોબાઇલમાં કોન્ફરન્સ વાત કરીને મોબાઇલમાં ધંધામાં નુકસાન થયું છે ફાયદો થાય તેવું કરી આપવા જણાવ્યુ હતુ. જેમાં થાનગઢવાળા જાવેદભાઇએ અનિરૂધ્ધસિંહ ઉર્ફે હકુભા ઝાલા પાસે રૂ. 2000નો નોટો બદલવાની હોવાનું જણાવા મળતા વેપારી ગૌતમભાઇ, મિત્ર નિલેશ અને હરદૃવસિંહ રાજકોટથી સાયલા માર્કેટિંગ યાર્ડ પાસે આવ્યા અને હકુભા ઝાલાને મળેલ
અને હકુભાએ 20 ટકા કમિશન આપવાનું જણાવતા વેપારી ગૌતમભાઇએ વિશ્વાસમાં આવ્યા હતા અને ધંધા અર્થેનારૂ. 40 લાખની રૂ.500ની નોટો આપવાનું નક્કી થયું અને 15-9-2023ના રોજ સવારે ગૌતમભાઇએ પી.એમ.આંગડીયા મારફતે 40 લાખ લઇને હકુભા ઝાલાના કહેવા મુજબ સાયલા ગ્રામિણ બેંકાના રસ્તે આવ્યા હતા. આ દરમિયાન હકુભા ઝાલા અને અન્ય એક શખસ સ્વિફટ કાર લઇ ઊભા હતા અને હકુભા ઝાલાના પગ પાસેના ખોખામાં રૂ. 2000ની સાચી ચલણ નોટો બતાવી હતી.
50 લાખની જુદા બંડલમાં હોવાનું જણાવી બંડલ વેપારી ગૌતમભાઇને આપી રૂ. 500ના દરની 40 લાખની નોટનો થેલો લઇ લીધો હતો. રાજકોટ તરફ રવાના થયેલા વેપારીએ બંડલ તોડીને જોવામાં આવતા ચિલ્ડ્રન બેંકની નોટો જોવામાં આવી અને વિશ્વાસઘાત થયો હોવાનું બહાર આવતા મામલો સાયલા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. સાયલા પોલીસે અનિરૂધ્ધસિંહ ઉર્ફે હકુભા ઝાલા અને અજાણ્યા શખસ સામે ગુનો દાખલ કરીને વધુ અનિરૂધ્ધસિંહ ઉર્ફે હકુભા ઝાલાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.