► વિસાવદર, માંગરોળ, મેંદરડા સહિતના સોરઠના ભાગોમાં સવારથી મેઘરાજાની ધબધબાટી : આઠ કલાકમાં 12 ઇંચ સુધી વરસાદ ખાબકતા જળબંબાકારની હાલત : રાજયના પાંચ જિલ્લા માટે આવતીકાલ સવાર સુધી હવામાનખાતાનું રેડ એલર્ટ
રાજકોટ, તા. 18 : ગુજરાત-સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં નવા રાઉન્ડમાં મેઘરાજાએ ફરી કહેર વરસાવ્યો છે. બારે મેઘ ખાંગા થવા જેવા તોફાની વરસાદ તથા પાડોશી રાજયોમાંથી નવા પાણીની ભરપુર આવકને કારણે ગુજરાતના અર્ધો ડઝન જેટલા જિલ્લાઓમાં પુર સંકટ સર્જાયુ છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના ખાસ કરીને સોરઠમાં તોફાની વરસાદ ખાબકયો હતો અને આજે સવારથી દે ધનાધન 12 ઇંચ સુધી પાણી વરસી ગયું હતું. સમગ્ર ગુજરાતમાં અંદાજીત દોઢેક મહિના સુધી વરસાદી બ્રેક રહ્યા બાદ મેઘરાજાએ ફરી મુકામ શરૂ કર્યો હોય
તેમ બે દિવસથી વરસાદના મંડાણ થયા છે. આજે વરસાદની તિવ્રતા અને વ્યાપ બંને વધી ગયા હોય તેમ રાજયમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાયો હતો. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે સોરઠ મેઘરાજાનું નિશાન બન્યું હોય તેમ વિસાવદરમાં સવારથી બપોર સુધીના આઠ કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબકયો હતો આ સિવાય મેંદરડા, જુનાગઢ, માળીયા, માંગરોળ સહિતના ભાગોમાં ભારે વરસાદ ત્રાટકયો હતો. જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું અને સંખ્યાબંધ લોકોને સુરક્ષીત સ્થળોએ ખસેડવાની ફરજ પડી હતી. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં મોટા ભાગે ધીમો અને હળવો વરસાદ નોંધાયો હતો. પરંતુ સાર્વત્રિક મહેર હોવાનો માહોલ હતો.
બીજી તરફ ગુજરાતના મધ્ય ઉતર ભાગોમાં અર્ધો ડઝન જિલ્લાઓ પુરમાં સપડાયા છે. નર્મદા, ઉકાઇ, પાનમ સહિતના જળાશયોમાં ઉપરવાસની જંગી આવકના પગલે દરવાજા ખોલવામાં આવ્યા હતા. તેના પરિણામે પાણી નદીઓમાં ઠલવાતા અને નદીઓ ગાંડીતુર બનતા પાણી શહેરો, ગામોમાં ઘુસી ગયા હતા અને પુર પરિસ્થિતિ સર્જાઇ હતી. નર્મદા ડેમના ર3 દરવાજા ખોલવામાં આવતા ભરૂચ, અંકલેશ્વર તથા કાંઠાળ ભાગોમાં પુર સંકટ સર્જાયુ હતું. ગોલ્ડન બ્રીજની સપાટી 40 ફુટે પહોંચી હતી. વાહન વ્યવહાર અટકાવવામાં આવ્યું હતું. રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયું હતું અને ડઝનથી વધુ ટ્રેનો રદ કરી દેવામાં આવી હતી.
દાહોદ, ખેડા, પંચમહાલ, સાબરકાંઠા સહિતના ભાગોમાં પુર પરિસ્થિતિ સર્જાઇ હતી. વડોદરા તથા નર્મદા પણ જળબંબાકાર બન્યા હતા. સર્વત્ર એનડીઆરએફની ટીમો ઉતારવામાં આવી હતી. વડોદરા જિલ્લામાં હાલત ખરાબ થાય તો રાહત બચાવ માટે સૈન્યની બે ટીમોને પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી હતી. અનરાધાર વરસાદના કારણે પુર પરિસ્થિતિ સર્જાતા રાજય સરકાર પણ એલર્ટ બન્યું હતું. મુખ્યમંત્રી સહિતના પ્રધાનો દ્વારા પરિસ્થિતિ પર વોચ રાખીને યોગ્ય કદમ ઉઠાવવાની સૂચના આપવામાં આવતી રહી હતી. પુરગ્રસ્ત જિલ્લાઓમાં સરકારી કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી હતી અને શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું.