રાજકોટ તા.18
રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આગામી તા.22ને શુક્રવારના કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને લેન્ડગ્રેબીંગની બેઠક આયોજીત કરવામાં આવેલ છે. કલેકટર પ્રભવ જોશી દ્વારા સૌ પ્રથમવાર બપોર બાદના સેશનમાં આ બેઠક યોજવામાં આવી છે.
જેમાં સરકારી જમીનો પર દબાણો કરનારા તેમજ પારકી મિલ્કતો પચાવી પાડનારા સામે કાયદાનો શિકંજો કસવા માટે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. દરમિયાન અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લાના લેન્ડગ્રેબીંગના 225 કેસોમાં સુનાવણી હાથ ધરાય તે પહેલા જ આસામીઓ હાઈકોર્ટમાં જતા આ કેસોમાં સ્ટે આવી જવા પામેલ છે.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, રાજયમાં લેન્ડગ્રેબીંગના 1200 કેસો એવા છે કે જે તે જિલ્લા કલેકટર સામે સુનાવણી માટે મુકાય તે પહેલા જ તેના પર સ્ટે માટે આસામીઓ દ્વારા હાઈકોર્ટના દ્વાર ખટખટાવવામાં આવેલ છે.
જેમાં રાજકોટ શહેર સહિત જિલ્લાના લેન્ડગ્રેબીંગના 225 કેસમાં આસામીઓ હાઈકોર્ટમાં જતા આ કેસોમાં કલેકટર સમક્ષ હિયરીંગમાં મુકાય તે પહેલા જ તેના પર સ્ટે આવી જવા પામી છે. જયારે જિલ્લામાં લેન્ડગ્રેબીંગની 700 જેટલા કેસોની ફાઈલો તપાસના તબકકામાં છે. લેન્ડગ્રેબીંગના કેસોનો ઝડપી નિકાલ થતો ન હોય અરજદારોને ન્યાય મળવામાં વિલંબ થઈ રહ્યો છે.