સોરઠમાં 8 કલાકમાં 11 ઈંચ: સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ વરસ્યો

18 September 2023 04:20 PM
Rajkot Gujarat Saurashtra
  • સોરઠમાં 8 કલાકમાં 11 ઈંચ: સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ વરસ્યો

► ભાદરવા માસમાં મેઘ મહેર થતાં ખેડૂતોને ચિંતા ટળી: ફરી વરસાદી માહોલ જામતા મુરજાતી મોલાતો સજીવન થઈ

► સૌથી વધુ વિસાવદરમાં 12 ઈંચ, મેંદરડા-7 ઈંચ, જૂનાગઢ શહેર 3 ઈંચ, અમરેલી ગીર સોમનાથ, દ્વારકા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર જિલ્લામાં અડધાથી એક ઈંચ: ધોરાજીમાં અનરાધાર વરસાદથી ધરતી પુત્રોમાં આનંદ: સૌરાષ્ટ્રભરમાં મેઘાવી માહોલં જામ્યો: મોરબીમાં એકથી ત્રણ ઈંચ

રાજકોટ,તા.18 : રાજસ્થાન ઉપર સર્જાયેલા સાયકલોનિક સકર્યુલેશન અસર હેઠળ રાજયમાં ફરી ચોમાસું સક્રિય થતા ગુજરાત-સૌરાષ્ટ્રભરમાં મેઘાવી માહોલીમાં નોંધપાત્ર હળવો-ભારે વરસાદ વરસતા ખેતી પાકોની મોલાતોને જીવનદાન મળ્યુ છે વરસાદ ખેંચાતા મુઝાયેલા ખેડૂતોની ચિંતા મેઘરાજાએ દુર કરી છે. ગુજરાત-સૌરાષ્ટ્ર ગઈકાલે રવિવારે રાત્રીથી વરસાદ શરૂ થતા મેઘાવી માહોલમાં આજે દિવસભર હળવો ભારે વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં 8 કલાકમાં 11 ઈંચ વરસાદ વરસ્યો છે. પરિણામે નદી-નાળા ચેકડેમો ફરી છલકાયા છે મોલાતોને મોટો ફાયદો થયો છે.

આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં જસદણ, ગોંડલ, ધોરાજી, જેતપુર, તાલુકામાં હળવા ભારે ઝાપટા વરસી રહ્યા છે. ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ધરતી પુત્રો ગેલમાં આવી ગયા છે. અમરેલી જિલ્લામાં અમરેલી બગસરા, જાફરાબાદ, સાવરકુંડલા, બાબરા, તાલુકામાં હળવો વરસાદ વરસ્યો છે.ગીર સોમનાથ જિલ્લામાં ઉના, કોડીનાર, વેરાવળ, સુત્રાપાડા તાલાલા વિ.તાલુકામાં હળવા ભારે ઝાપટા વરસ્યા છે. મોરબી જિલ્લામાં અડધા થી ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે મોરબી જિલ્લાના ટંકરા-28 મી.મી. વાંકાનેર-39 મી.મી., હળવદ 76 મી.મી. વરસાદ નોંધાયો છે. સવારથી બપોર સુધીમાં અડધાથી ત્રણ ઈંચ વરસાદ નોધાયો છે.

જામનગર જિલ્લામાં સવારથી બપોર સુધીમાં જામનગર 13 મી.મી. જોડીયા 8 મી.મી. ધ્રોલ 8મી.મી. કાલાવડ 20 મી.મી. લાલપુર પાંચ મી.મી. જામજોધપુર 3 મી.મી. વરસાદ વરસ્યો હતો વાદળીયા વાતાવરણમાં હળવા ભારે ઝાપટા વરસી રહ્યા છે.દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર ખંભાળિયા, દ્વારકામાં સવારથી બપોર સુધીમાં હળવા ભારે ઝાપટા વરસી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગત રાત્રીથી આજે બપોરે સુધીમાં હળવો વરસાદ વરસ્યો છે. ભાવનગર જિલ્લામાં ઉમરાયા, આસપાસ હળવો વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને બાદ કરતા હળવો ભારે વરસાદ વરસી રહ્યો છે. ખેતરોમાં મુરજાતી મોલાતોને જીવનદાન મળ્યું છે.

વિસાવદરમાં બારે મેઘ ખાંગા: અનરાધાર 12 ઈંચ ખાબકયો
વંથલી-6, મેંદરડા-5, જૂનાગઢ-3, માણાવદર-2 ઈંચ, જૂનાગઢ કાળવા નદીમાં ઘોડાપુર, દામોદર કુંડમાં ફરી નવા નીર: ગિરનાર પર્વત પર ભારે વરસાદ ઓઝત ડેમના 8 દરવાજા ખોલાયા: અનેક નદીઓમાં ઘોડાપુર
જૂનાગઢ જિલ્લામાં ભાદર માસના પ્રારંભે ફરી મેઘમહેર થતા મેઘરાજાએ સટ્ટાસટી બોલાવતા વિસાવદર પંથકમાં અનરાધાર 12 ઈંચ ખાબકતા નદી-ગિરનાર પર્વત પર ભારે વરસાદથી જૂનાગઢની કાળવા નદીમાં ઘોડાપુર આવતા વાહન વ્યવહારને અસર પડી હતી. જૂનાગઢ જિલ્લામાં સવારના 6 થી બપોરના 2 કલાક સુધીમાં વિસાવદર-13 ઈંચ, મેંદરડા-7 ઈંચ, વંથલી-6 ઈંચ, જૂનાગઢ શહેર-3 ઈંચ, માણાવદર-1 ઈંચ વરસાદ નોંધાયો હતો.

વિસાવદર તાલુકામાં અનરાધાર 13 ઈંચ વરસાદ વરસતા નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. આંબાજળ, ઓઝત ડેમમાં નવા નીરની આવક થઈ છે. ઓઝત ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા હતાં.જૂનાગઢમાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદથી વાહન વ્યવહારને અસર થઈ હતી. દામોદર કુંડમાં નવા નીરની આવક થઈ છે. જૂનાગઢનું જળસંકટ મેઘરાનીએ દુર કર્યુ છે. સોરઠમાં 8 કલાકમાં 12 ઈંચ વરસાદ વરસતા ખેતી પાકોને ભરપુર ફાયદો થયો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement