રાજકોટ તા.18 : એશિયા કપમાં ભારતના જબરદસ્ત વિજય બાદ હવે ટીમ ઈન્ડિયાનું ફોકસ વર્લ્ડ કપ તરફ છે ત્યારે ઓસ્ટ્રેલીયા સામે શરૂ થનારી ત્રણ વન ડેની શ્રેણીનો અંતિમ ડે નાઈટ વન ડે રાજકોટમાં રમાવાનો હોય ક્રિકેટ પ્રેમીઓમાં નવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. પ્રથમ બે વન ડેમાં કેટલાક સ્ટાર ખેલાડી ન હોવાની શકયતા વચ્ચે રાજકોટના વન ડેમાં ફુલ ટીમ ઈન્ડિયા જોડાવાની હોય રાજકોટનો મેચ પણ હોટ બનશે એવું લાગે છે.
તા.25ના બપોરે 2-30 કલાકે ભારત અને ઓસ્ટ્રેલીયાની ટીમ ઈન્દોર વન ડે પુરો કરીને ચાર્ટર્ડ વિમાનમાં શહેરના નવા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવી પહોંચશે. ટીમ ઈન્ડિયા પહેલો વન ડે મોહાલી અને બીજો વન ડે ઈન્દોરમાં રમવાની છે. ભારતની ટીમ રાજકોટની સયાજી હોટલમાં અને ઓસીસની ટીમ આઈટીસી ફોર્ચ્યુન હોટલમાં રોકાવાની છે.
એશિયા કપમાં ભવ્ય વિજય બાદ રાજકોટના વન ડે માટેની ઉતેજના વધી ગઈ છે. ગઈકાલથી ઓનલાઈન ટીકીટ વેચાણ શરૂ થઈ ગયું છે અને તા.21થી ઓફલાઈન ટીકીટ વેચાણ શરૂ થશે. રાજકોટમાં અગાઉ 1986 અને તે બાદ 2020માં બન્ને ટીમ વચ્ચે વન ડે રમાયો હતો હવે ત્રીજો વન ડે તા.27ના રોજ રમાશે. બન્ને ટીમો બે દિવસ રાજકોટમાં રોકાણ કરવાની છે. ભારતની પુરેપુરી ટીમ રાજકોટના મેચમાં સામેલ થશે અને આ સાથે વર્લ્ડ કપ જંગની તૈયારીનું બ્યુગલ ફુંકશે.