ભરૂચ-વડોદરા સહિત અર્ધો ડઝન જીલ્લાઓમાં પુરની હાલત : સૈન્ય સ્ટેન્ડ ટુ

18 September 2023 04:56 PM
Vadodara Gujarat
  • ભરૂચ-વડોદરા સહિત અર્ધો ડઝન જીલ્લાઓમાં પુરની હાલત : સૈન્ય સ્ટેન્ડ ટુ
  • ભરૂચ-વડોદરા સહિત અર્ધો ડઝન જીલ્લાઓમાં પુરની હાલત : સૈન્ય સ્ટેન્ડ ટુ

ભારે વરસાદથી નર્મદા સહિતના ડેમોમાંથી લાખો કયુસેક પાણી છોડાતા ગંભીર હાલત

રાજકોટ, તા. 14 : ગુજરાતના અર્ધો ડઝન જેટલા જીલ્લાઓમાં વરસાદનો નવો રાઉન્ડ ફરી આફતરૂપ બન્યો છે. ગુજરાતમાં તથા મધ્યપ્રદેશના અતિભારે વરસાદથી ડેમોમાં જંગી આવક થતા પૂરની હાલત સર્જાઇ છે. 10,000થી વધુ લોકોને સ્થળાંતરકરણમાં આવ્યું છે. 70 વિદ્યાર્થી સહિત ર07 લોકોને રેસ્કયુ કરાયા હતા. એનડીઆરએફની ટીમોને બચાવ-રાહત કામગીરીમાં તૈનાત કરવા ઉપરાંત સૈન્યની બે ટુકડીઓને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. પુરની વકરતી સ્થિતિથી રાજય સરકાર એલર્ટ બની હતી.

પુર પ્રભાવિત જીલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. મધ્યપ્રદેશમાં બે દિવસથી અતિભારે વરસાદને કારણે નર્મદા સહિતના ડેપોમાં તથા પાણીની જંગી આવક થઇ હતી. જળાશયો છલકાતા પાણી નદીઓમાં છોડવાનો વખત આવ્યો હતો. ગુજરાતની જીવાદોરીસમા નર્મદા ડેમ 138.68 મીટરની સપાટીએ છલકાઇ જતા ડેમના 30માંથી 23 દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. 18 લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. પરિણામે નદીઓ ગાંડીતુર બની હતી. ભરૂચ, વડોદરા સહિત અર્ધો ડઝન જીલ્લાઓ પૂર પ્રભાવિત બન્યા હતા.

વડોદરાના શિનોરા, ડભોઇ તથા કરજણ તાલુકાના રપ ગામોને એલર્ટ કરાયા હતા. નર્મદા ડેમમાંથી જંગી આવકના પગલે જળાશયમાંથી મોટી માત્રામાં પાણી છોડાતા ભરૂચ જીલ્લામાં અનેક ભાગોમાં પુર ઉમટયા હતા. ગોલ્ડન બ્રીજની સપાટી 40 ફુટે પહોંચી હતી. નર્મદા મૈયા બ્રીજ બંધ કરીને વાહન વ્યવહાર ડાઇવર્ટ કારાયો હતો. કાંઠાળ ભાગોમાં સેંકડો લોકો, પશુઓને સુરક્ષીત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઇવે પર પણ પાણી ફરી વળ્યા હતા. અંકલેશ્વરના ગામો જળબંબાકાર બન્યા હતા અને સંખ્યાબંધ સોસાયટીઓમાં મકાનના 1 માળ સુધી પાણી પહોંચતા લોકોને ધાબા પર આશરો લેવો પડયો હતો. બચાવ ટીમોએ સેંકડો લોકોને સલામત સ્થળોએ ખસેડયા હતા.

આ સિવાય કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા અન્ય 20 ગામો પ્રભાવિત બન્યા હતા. આ સિવાય પંચમહાલની જીવાદોરી સમાન પાનમ ડેમ છલકાયો હતો. અને 17રર4 કયુસેક પાણી છોડાયુ હતું માત્ર ર4 કલાકમાં સંપૂર્ણ ભરાઇ ગયો હતો. તાપી નદીના ઉકાઇ ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ઉકાઇની સપાટી 34ર.40 ફુટ પર પહોંચી છે. ભયજનક લેવલ 34પ ફુટનું છે. ર.88 લાખ કયસેક પાણી છોડવામાં આવ્યું હતું. દાંતીવડા ડેમના ચાર દરવાજા પણ ખોલવામાં આવ્યા હતા.

સુત્રોમાં કહેવા પ્રમાણે ભરૂચ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ જેવા અર્ધો ડઝન જીલ્લાઓમાં પુરની હાલતથી શૈક્ષણિક કાર્ય બંધ રખાયું હતું. નર્મદા જીલ્લામાં પણ શાળાઓમાં રજા જાહેર કરવામાં અવી હતી. આ જીલ્લાઓમાં 11800 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. એનડીઆરએફ દ્વારા શાળા-હોસ્ટેલના 70 વિદ્યાર્થી સહિત ર07ને રેસ્કયુ કર્યા હતા. વડોદરા પંથકમાં પુર સ્થિતિ વકરે તો બચાવ કામગીરી માટે બે ટીમોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા પંચમહાલ, દાહોદ, ખેડા, અરવલ્લી, મહિસાગર, બનાસકાંઠા તથા સાબરકાંઠા માટે આવતીકાલ સવાર સુધીનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.

► 11800 લોકોનું સ્થળાંતર
► 207 લોકોને રેસ્કયુ કરાયા
► ગોલ્ડન બ્રીજની સપાટી 40 ફુટ
► ભરૂચ-અંકલેશ્વર હાઇવે બંધ
► અંકલેશ્વરના ગામો-સોસાયટીઓમાં મકાનો એક માળ સુધીના પાણીમાં ડુબ્યા
► સાત જીલ્લા માટે હવામાન ખાતાનું રેડ એલર્ટ
► નર્મદાના 23, ઉકાઇના 15 દરવાજા ખોલાયા
► એનડીઆરએફની ટીમો તૈનાત
► નર્મદા, મૈયા બ્રીજ બંધ-ટ્રાફિક ડાઇવર્ટ
► વ્યાપક ખાનાખરાબી-શાળાઓમાં રજા


Related News

Advertisement
Advertisement
Advertisement