નવી દિલ્હી: આજે સંસદના ખાસ સત્રને સંબોધન સમયે અનેક રસપ્રદ ક્ષણો પણ સર્જાઈ હતી. સંસદના જૂના ભવનમાં આજે આખરી બેઠક હતી. કાલે સવારથી હવે સંસદ નવા આધુનિક ભવનમાં બેસશે અને તે પુર્વે જુના ભવન પાસે ફોટોસેશન થશે તો ગણેશ ચતુર્થીના શુભ મુર્હુતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાથમાં બંધારણની પ્રત લઈને દાખલ થશે. આજે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ 50 મીનીટથી વધુ ચાલ્યુ હતું.
તેના પર કટાક્ષ કરતા લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ તેમના વકતવ્યમાં યાદ કરાવ્યું કે ભૂતકાળમાં સ્વ. વડાપ્રધાન જવાહરલાલ નહેરુ લોકસભામાં બોલતા અને તો તેમના ફાળવાયેલા સમય કરતા વધુ સમય જતો અધ્યક્ષ ઘંટડી વગાડતા અને વડાપ્રધાન પણ તુર્તજ ભાષણ પુરુ કરી દેતા હતા. તેમનો ઈશારો મોદીના 50 મીનીટથી વધુના ભાષણ પર હતો. શ્રી મોદીએ તેમના ભાષણમાં સ્વ. વડાપ્રધાન જવાહરલાલ નહેરુને યાદ કર્યા હતા.તેઓએ કહ્યું કે નહેરુની ઉપલબ્ધી ગુણગાન હોય તો કોણ સભ્ય હશે જે તાળીઓ પાડવાનું ના કહે પણ અહી લોકતંત્ર છે બધુ જોવુ પડે છે.
તેઓએ કોંગ્રેસના સભ્યોએ તાળીઓ ના પાડી તેના પર કટાક્ષ કર્યો અને સોનિયા ગાંધી પાછળ ફરીને કોંગ્રેસના સભ્યો સાથે ખુશ થઈને વાતો કરતા જોવા મળ્યા હતા. કોંગ્રેસના શ્રી અધિર રંજને તેમના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયાં ચુકી ગયા હતા તે ઉલ્લેખ કર્યો અને કોંગ્રેસના શાસનમાં રાઈટ-ટુ એજયુકેશન, રાઈટ ટુ ફુડ રાઈટ ટુ ઈન્ફર્મેશન જેવા પગલા લેવાયા તેનો ઉલ્લેખ કર્યો અને અધિર રંજને નહેરુને યાદ કરી વર્તમાન સરકાર પર પ્રહાર કર્યા તો સોનિયા ખુશ થયા હતા.