♦ જુલાઈ માસમાં પોલીસ હેડ ક્વાર્ટરમાંથી નીકળેલી કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કારે અકસ્માત સર્જેલો, પોલીસ હજુ સુધી એનો પતો પણ લગાવી શકી નથી
રાજકોટ, તા.18
રાજકોટમાં હિટ એન્ડ રનના કેસમાં ફરાર કાર ચાલકનો કોઈ પતો નથી લાગ્યો. જેથી પોલીસ કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. જુલાઈ માસમાં પોલીસ હેડ ક્વાર્ટરમાંથી નીકળેલી કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કારે અકસ્માત સર્જેલો હતો. જેમાં પણ પોલીસ હજુ સુધી એનો પતો પણ લગાવી શકી નથી. પાર્થભાઇ રાજેશભાઇ બગડાઈ (ઉ.વ.27, રહે. રવીપાર્ક શેરી નં.7, યુનિવર્સિટી રોડ)એ જણાવ્યું કે, હું મારા માતા ઉષાબેન, મારી પત્ની હીલોનીબેન (ઉ.વ.23) સાથે રહું છું.
રાજકોટમાં ગોંડલ રોડ સાધના ભેળની સામે પાર્થ ઓટો એજન્સી નામે વેપાર કરું છું.મારી પત્ની હીલોનીબેન રાજકોટમાં એસએનકે સ્કુલમાં એડમીન તરીકે ફરજ બજાવે છે. તા.-9/9/2023 ના રોજ રાત્રીના અગીયારથી સવા અગીયારેક વાગ્યાની વચ્ચે હું તથા મારી પત્ની અમો બંન્ને મારા એકટીવા ઉપર અમારા ઘરેથી નીકળી પુષ્કરધામ મેઇન રોડ પરથી પસાર થતા હતા ત્યારે અમારી સામેથી વિમલનગર ચોક તરફથી એક બ્લુ કલર જેવી સ્વિફ્ટ કાર જેમા નંબર પ્લેટ નહોય તેવુ જણાયેલ જે કાર પુર ઝડપે આવી અમારા એકટીવાને ઠોકરે લેતા અમો બન્ને અમારા એકટીવા મો.સા સહિત પડી ગયેલ અને કાર ચાલકે તેની કાર ઉભી રાખ્યા વગર ભાગી ગયેલ.
આ બનાવ માં મને જમણી આંખમાં ઈજા થયેલી અને મારી પત્નીને જમણા પગમાં ગોઠણ તથા સાથળના ભાગે ગંભીર ઇજા થયેલ અને પગ ભાંગી ગયેલો આ વખતે ત્યાં ઘણા માણસો ભેગા થઇ ગયેલા. 108 એમ્બુલયન્સમાં સારવાર માટે વોકહાર્ટ હોસ્પીટલ ગયેલા ત્યાં મને પ્રાથમીક સારવાર આપી છૂટો કરેલ અને મારી પત્ની હિલોનીબેનને પગ માં ગંભીર ઇજા થયેલ હોય જેથી દાખલ કરેલ. તા.10/9/ 2023 ના રોજ મારા પત્નીના પગનું ઓપરેશન કરેલ હતું. પત્નીની દાખલ હોવાથી 13/9/2023ના રોજ મેં યુનિવર્સિટી પોલીસમાં અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
જે બાદ આજે પાંચ દિવસ બાદ પણ તે કાર ચાલકનો કોઈ પતો નથી લાગ્યો. ઉલ્લેખનીય છે કે, શહેરના પોલીસ કમિશનરના બંગલા નજીક, પોલીસ હેડ ક્વાર્ટરમાંથી કાળા કાચ અને નંબર પ્લેટ વગર પુરપાટ નીકળેલી સ્વીફ્ટ કારે એક્ટિવા ચાલક દંપતી તેના પુત્રને હડફેટે લીધા હતા. આ કાર ચાલક પણ ફરાર થઇ ગયો હતો પણ હજુ સુધી પકડાયો નથી. જેના કારણે રાજકોટ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.