રાજકોટ,તા.18
ઈશ્ર્વરીયા મહાદેવ મંદિર પાસે ઈશ્વરીયા ડેમમાં અજાણી મહિલાની લાશ મળી આવી હતી. જેની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે દોડી જઇ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. મહિલાની ઓળખ મેળવવા માટે પોલીસે તેના વાલીવારસની શોધખોળ શરૂ કરી છે. મહિલા પાણીમાં ડૂબી જતા તેનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ મામલે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ,આજે બારેક વાગ્યા આસપાસ જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી કે, ઈશ્ર્વરીયા મહાદેવ મંદિર પાસે ઈશ્ર્વરીયા ડેમ અને ઈશ્ર્વરીયા નદી નજીક પાણીમાં કોઈ મહિલાની લાશ પડી છે. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસમાં મથકના હેડ કોન્સ્ટેબલ વસંતબેન અને કોન્સ્ટેબલ વિશ્ર્વરાજસિંહ જાડેજા બનાવસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ફાયર બ્રિગેડની મદદથી લાશને પાણીમાંથી બહાર કાઢી હતી.
પોલીસે તપાસ કરતા મહિલાના જમણા હાથ પર કાનુડાની મોરલી ત્રોફવેલી હોવાનું જોવા મળ્યું હતું. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. મહિલાની ઓળખ મેળવવા માટે પોલીસે તેના વાલીવારસની શોધખોળ શરૂ કરી છે.પ્રાથમિક તપાસમાં પાણીમાં ડૂબી જવાથી મહિલાનું મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ મામલે પોલીસે વિશેષ તપાસ શરૂ કરી છે.