રાજકોટ,તા.18 : સાંજ સમાચાર અને જૈનમ આયોજિત પર્યુષણના પર્વ નિમિતે ગઈકાલે રવિવારે વર્લ્ડ નવકાર ડે - સામૂહિક નવકાર મંત્રના જાપનું આયોજન કરાયું હતું. સ્વામિનારાયણ બાપ્સના પ્રમુખ સ્વામી સભાગૃહમાં સવારના 6 વાગ્યાથી હજારોની સંખ્યામાં જૈન શ્રાવક શ્રાવિકોઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. ત્યારે કાર્યક્રમની શરૂઆત પૂર્વે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબનો વિડિયો સંદેશ સ્ક્રીન પર પ્લે કરવામાં આવ્યો હતો.
પૂજ્ય ગુરુદેવએ સાંજ સમાચાર અને જૈનમ દ્વારા આયોજિત નવકાર મંત્રના જાપના આયોજન માટે પ્રશંસા વ્યક્ત કરતા જણાવ્યું કે આજે જાણે નવકરનો દરિયો વહ્યો છે, નમસ્કારના ચમત્કાર માટે સૌ કોઈ એકત્રિત થયા છે. આ સાથે તેઓએ બન્ને સંસ્થા પર આશીર્વાદ આપ્યા અને ઉપસ્થિત હજારો જેનો માટે કહ્યું કે તમામના હૃદયમાં અરિહંત બિરાજમાન થાય,
સિદ્ધતત્વની પ્રાપ્તિનું લક્ષ્ય બને, આચાર્ય જેવું શરણ ગ્રહણ થાય, ઉપાધ્યાય જેવું જ્ઞાન પ્રાપ્ત થાય અને સાધુ સાધ્વીજી ભગવંતોના ચરણમાં આત્મસમર્પણની ભાવના જાગે તેવા આશીર્વાદ આપ્યા. લુક એન્ડ લનના દીદીઓ ત્યાં નવકાર મંત્રના જાપ કરાવવા ઉપસ્થિત હતા તો તેમને પણ શુભેચ્છા સહ આશીર્વાદ પાઠવ્યા હતા. રાજકોટથી મયુર શાહ, ઋષભ શેઠ અને સુજીત ઉદાની પરમ ગુરુદેવના દર્શનાર્થે ગયા હતા અને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી.