માણસે પરમાત્માને પ્રેમ કર્યો છે પરંતુ પોતાની જાતને કયારેય પ્રેમ નથી કર્યો: સદ્ગુરૂ દેવ પૂ.શ્રી પારસમુનિ

18 September 2023 05:51 PM
Rajkot Dharmik
  • માણસે પરમાત્માને પ્રેમ કર્યો છે પરંતુ પોતાની જાતને કયારેય પ્રેમ નથી કર્યો: સદ્ગુરૂ દેવ પૂ.શ્રી પારસમુનિ

રાજકોટ,તા.18 : ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂજ્ય ગુરુદેવ જગદીશમુનિ મહારાજ સાહેબ ના સુશિષ્ય સદગુરુદેવ પૂજ્ય શ્રી પારસમુનિ મહારાજ સાહેબે શ્રી વણિક જૈન સંઘ કાલાવડમાં પર્યુષણ મહાપર્વનાં છઠ્ઠા દિવસે સફળ થવાનો ગુપ્ત દરવાજો વિષય પર પ્રવચન આપતાં જણાવ્યું કે વિષાદને વિદાય આપી, આનંદ નું અવતરણ થાય, ક્રૂરતાનું શમન કરી, કરુણા ને જન્મ આપે, વિકારોનો વિનાશ કરી, પવિત્રતા નું પ્રાકટ્ય કરે તે પર્વાધિરાજ પર્યુષણ.

અધ્યાત્મએ કોઈ શાસ્ત્ર કે વાદ નથી કે જેને વાંચીને પંડિત થઈ જવાય. કે જેના પર તર્ક વિતર્ક કરી સિદ્ધ અને સાબિત કરી શકાય. અધ્યાત્મ તો એક દ્રષ્ટિ છે, એક એવી દ્રષ્ટિ જેને આપણે અંતર દ્રષ્ટિ કહીએ છીએ. જેની અંતરદ્રષ્ટિ ખુલી ગઈ બુદ્ધિ તેની દાસી બની જાય છે. બુદ્ધિથી આગળના દ્વાર તેના ખુલી જાય છે. આગળ જે સ્થિતિ હોય છે તે બુદ્ધિની નહીં, બોધ અને પ્રજ્ઞા ની હોય છે. તે સ્થિતિ સ્થિતપ્રજ્ઞાની હોય છે. ધર્મનો જન્મ જીવન અને જગતના સાર - અસાર ને સમજવાથી થાય છે. શાસ્ત્રો કે પુસ્તકોના માધ્યમથી ધર્મનું આચરણ જરૂર થઇ શકે છે, પરંતુ જીવનમાં ધર્મનો જન્મ થતો નથી. માણસે જગતને વાંચવાની જરૂર છે, જગતમાં થતા પરિવર્તનો જોવાની જરૂર છે. રામાયણ અતિતકાળની કૃતિ નથી,

પરંતુ આ જગત હર ક્ષણ હર પળ રામાયણ અને મહાભારતની જ આવૃત્તિ છે. વિચિત્રતાથી ભરેલું છે આ જગત આપણે રામાયણ વાંચી છે, પરંતુ વિરાટ જગતને નથી વાંચ્યું. આગમ શાસ્ત્ર કે ગ્રંથો ને વાંચ્યા છે, પરંતુ સ્વયંનાં જીવનને નથી વાંચ્યું. આપણે ફક્ત રામ ,કૃષ્ણ, મહાવીર, બુદ્ધ ને પ્રેમ કર્યો છે, પરંતુ પોતાની જાતને ક્યારેય પ્રેમ નથી કર્યો. કેવી આશ્ચર્યની વાત છે કે રામાયણને 100 વાર વાંચવા છતાં આપણે રામ નથી થઈ શક્યા, ગીતા નો નિયમિત પાઠ કરવા છતાં જીવનમાં તેના જેવું માધુર્ય ,સત્ય અને યોગના ગીત સ્ફૂરિત નથી થયા, આગમ શાસ્ત્રો કંઠસ્થ કરી લીધા પરંતુ ભગવાન મહાવીર જેવી ક્ષમાવૃતિ આપણા જીવનમાં આવૃત ન થઈ શકી.

જીભ અનેકના સંપર્કમાં આવે છે પરંતુ તે કોઈ સાથે એમઆઈએક્ષ નથી થતી, તે પોતાના મૂળભૂત સ્વભાવ માં લેશમાત્ર પરિવર્તન નથી લાવતી, સમ્યક્દ્રષ્ટિ આત્મા જીભની જેમ નિર્લેપ અને અનાસક્ત રહે છે. ધર્મનો દરવાજો એટલો નાનો છે કે અહંકારથી ફૂલેલો માણસ તેમાં પ્રવેશી શકતો નથી. તિજોરીમાં ધન ભેગું થતું જાય, તેમ તેમ ઘરમાં મન જુદા થતા જાય. નિયત અને શિસ્ત આ બે એવા અનાથ દીકરા છે કે જેમને જન્મ આપવાવાળા ઘણા છે પણ પાલન કરવાવાળું કોઈ નથી મળતું. આજે માણસના હૃદયમાં ધાર્મિકતા ની જરૂર છે ધાર્મિક વ્યક્તિ તે જ છે જે બીજાને સમજે, બીજાને મદદ કરે, માત્ર મંદિર કે મસ્જિદમાં જવાથી વ્યક્તિ ધાર્મિક નથી બની જતી.

ગાંધીજીના વસ્ત્રોમાં એક પણ ખિસ્સું નહોતું છતાં પણ એમના સત્કર્મોને કારણે તેઓ તમારા સૌના વસ્ત્રમાં સન્માનપૂર્વક રહે છે.ગામડાઓમાં લીમડાં ઘટતા જાય છે, અને ઘરમાં કડવાશ વધતી જાય છે. હોઠો પરથી સુગર ઘટી ગયું ત્યારથી લોહીમાં વધી ગયું છે. મંદિરોમાં પણ સીસીટીવી મુકાઈ છે અજબ ગજબ નો જમાનો આવ્યો છે આખી દુનિયાનું ધ્યાન રાખનાર પરમાત્મા પર પણ ધ્યાન રખાય છે.મનુષ્યજીવનમાં દિલથી કરેલી મદદ, હૃદયથી કરેલો પ્રેમ, અને મુખથી કરેલ પરમાત્મા સ્મરણ ક્યારેય વ્યર્થ નથી જતાં તેનું ફળ ચોક્કસ સમયે મળે જ છે.માણસની ઈચ્છા સાત્વિક હોય તો પ્રકૃતિ તેના દરેક સંકલ્પને પૂર્ણ કરવાની વ્યવસ્થા કરી જ દે છે. સાંભળવા જેવાં છે વ્યાખ્યાન, છોડવા જેવાં છે અભ્યાખ્યાન, લેવા જેવાં છે પ્રત્યાખ્યાન.


Related News

Advertisement
Advertisement
Advertisement