માત્ર રૂ।.10ના ટોકનદરે ચાલતું જૈન ભોજનાલયનો સાત મહિનામાં 88 હજાર સાધર્મિકોએ લાભ લીધો

18 September 2023 05:54 PM
Rajkot
  • માત્ર રૂ।.10ના ટોકનદરે ચાલતું જૈન ભોજનાલયનો સાત મહિનામાં 88 હજાર સાધર્મિકોએ લાભ લીધો

રાજકોટ,તા.18 : ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂજ્ય ગુરુદેવ શ્રી ગિરીશચંદ્રજી સ્વામીનાં સુશિષ્ય ગુજરાત રત્ન પૂજ્ય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ, પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી વજ્રસેન વિજયજી મહારાજાનાં સુશિષ્ય આચાર્યદેવ પરમ પૂજ્ય શ્રી મનમોહનસૂરીશ્વરજી મહારાજા તથા આચાર્યદેવ પરમ પૂજ્ય શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મહારાજા એવં મહામંત્ર પ્રભાવક પૂજ્ય ગુરુદેવ શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબનાં સુશિષ્ય સદગુરુદેવ પૂજ્ય શ્રી પારસમુનિ મહારાજ સાહેબની કૃપા એવં પાવન પ્રેરણાથી રાજકોટ મધ્યે જૈન ભોજનાલય અનેક સાધર્મિકોને શાતા પહોંચાડવાનું સુકૃત્ય કરી રહ્યું છે. સદગુરૂદેવ પારસમુનિ એ જણાવ્યું હતું કે પરમાત્મા આપે છે, પરમાત્મા અપાવે છે,

પરમાત્માને આપવાનું છે, પરમાત્મા એ આપણને માત્ર નિમિત્ત બનાવ્યા છે. સૌરાષ્ટ્રના પાટનગર ગણાતાં રાજકોટ શહેર જ્યાં કોઈને કોઈ કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો રાજકોટમાં નિવાસ કરવા કે અન્ય કારણોથી રોજ આવી રહેલ છે. સૌરાષ્ટ્રની એક ખાસિયત એ છે કે અહીં અનેક અન્નક્ષેત્રો, સદાવ્રતો પણ ચાલે છે. જઠરાગ્નિ શાંત રહે કે શાંત પડે એટલે અનેક સમસ્યાઓ પણ શાંત પડી જતી હોય છે. કંઈક આવી જ ભાવનાથી નવનાત વણિક જૈન સમાજના નવેય જ્ઞાતિના અને ચારેય જૈન ફિરકાના નોકરીયાતો, વેપારીઓ, વિદ્યાર્થીઓ તેમજ આર્થિક રીતે નબળા વર્ગ માટે જ નહીં, પરંતુ નવનાત વણિક જૈન સમાજના સર્વ જ્ઞાતિજનો, અને જૈનધર્મનાં ચારે ફિરકાનાં સર્વ સાધર્મિકો માટે છે.

તેવી ભાવના કેળવાય તે માટે સમયે સમયે સમાજના યુવાનો , અગ્રણીઓ તેમનો જન્મદિન, લગ્નદિન કે સ્નેહ પ્રસંગ હોય કે અન્ય ઉજવણી જૈન ભોજનાલયમાં થવા લાગી છે. જેથી જનજાગૃતિ આવે કોઈપણ નાના-મોટાનાં ભેદ રાખ્યા વગર સમયાંતરે સ્વયં ટ્રસ્ટીઓ જ ભોજન પીરસવા આવી પુણ્યનું ભાથું બાંધે છે. જૈન પદ્ધતિથી બનેલ શુદ્ધ સાત્વિક જૈન ભોજન જૈન ભોજનાલય રાજકોટમાં પીરસી રહ્યું છે. શુદ્ધ અને સાત્વિક ભોજન કરવા માટે ત્યાં હવે હોટલ રેસ્ટોરન્ટમાં મોંઘા ખર્ચે પોતાના જન્મદિવસ, લગ્ન દિવસ કે અન્ય ઉજવણી કરવાને બદલે આવી ઉજવણી જૈન સમાજના જાણીતા શ્રેષ્ઠી પરિવારના વ્યક્તિઓ દ્વારા અહીં થવા લાગી છે. જેથી અનેક સાધર્મિક બંધુઓને જમાડવાનો લાભ લઈ શકાય.

અનેક માટે પ્રેરણારૂપ બની જૈન ભોજનાલયનાં સેવાકાર્યમાં સહયોગી બની શકાય. માત્ર રૂપિયા 10 ના ટોકનદરે આવશ્યકતા હોય તેવા નવનાત વણિક જૈન સાધર્મિકોને ભોજન/ટિફિન અપાય છે. 100 વ્યક્તિ ટેબલ- ખુરશી પર સાથે બેસીને જમી શકે તેવો સ્વચ્છ ભોજનખંડ, આર. ઓ .પ્લાન્ટ સાથે શુધ્ધ શીતલ જલ આપતું વોટર કુલર, ગરમાગરમ શુધ્ધ ઘી વાળી ફુલકા રોટલી માટે રોટી મેકર મશીન, એક સાથે 500 ઈડલી ઉતરે તેવું સ્ટીમ મશીન, ટિફિનની સુંદર વેઈટિંગ વ્યવસ્થા રાખવામાં આવી છે. પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી વજ્રસેન વિજયજી મહારાજા ની સ્મૃતિમાં આચાર્યદેવ પરમ પૂજ્ય શ્રી મનમોહનસૂરીશ્વરજી મહારાજા તથા આચાર્યદેવ પરમ પૂજ્ય શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મહારાજાની શુભ આશીર્વાદ અને પ્રેરણાથી માતુશ્રી જયાબેન ચુનીલાલ દોઢિયા હસ્તે પારસભાઈ, દીપાબેન, પ્રિયન તથા પરિવાર.

હાલાર પંથકનાં નવાગામ નાં રહેવાશી, હાલ- લંડન એ આ મહિનાની આંશિક સાધર્મિક ભક્તિનો લાભ લીધેલ છે. અને પૂજ્ય શ્રીની પ્રેરણાથી શ્રી હાલારી વિશાઓસવાળ આદિજિન સેવા ટ્રસ્ટ પણ જૈન ભોજનાલય રાજકોટ ને પોતાનું ગણી સાથ સહયોગ આપી રહ્યુ છે. જિનશાસનનું ગૌરવ વૃધ્ધિવંત કરી રહ્યું છે. આ તકે જૈન ભોજનાલય - રાજકોટનાં સર્વ ટ્રસ્ટીઓ પૂજ્ય આચાર્ય ભગવંતો તથા લાભાર્થી પરિવાર પ્રત્યે આત્મીયતાનાં ભાવ સાથે આભારની લાગણી વ્યક્ત કરે છે. જૈન ભોજનાલય ને ખૂબ સારો પ્રતિસાદ મળતા ભોજનાલયમાં સંખ્યામાં વધારો થયો છે. વર્તમાન સમયે દરરોજ 500 ઉપરાંત સાધર્મિકો જૈન ભોજનાલય રાજકોટમાં લાભ લઈ રહ્યા છે. સંખ્યા વધી રહી છે. અનેક દાનવીરો સંસ્થાને સહયોગી બની રહ્યા છે. ત્યારે દાનવીર દાતાઓને આગળ આવી સંસ્થાને સહયોગી બનવા અને દાનની ગંગા વહાવવા ટ્રસ્ટીઓએ અપીલ કરેલ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement