ગોંડલના ખંડવંથલીમાં મેઘવાળ સમાજ દ્વારા સ્મશાનના મુદ્દે આંદોલન

19 September 2023 11:46 AM
Gondal
  • ગોંડલના ખંડવંથલીમાં મેઘવાળ સમાજ દ્વારા સ્મશાનના મુદ્દે આંદોલન

સ્મશાનની જગ્યા હોસ્પિટલ માટે રખાઇ છે : સરપંચ કથીરીયા

ગોંડલ, તા. 19

ગોંડલ તાલુકાનાં ખડવંથલી ગામમાં મેઘવાળ સમાજનુ સ્મશાન ગ્રામ પંચાયત દ્વારા તોડી પડાયુ હોય મેઘવાળ સમાજના આગેવાનોએ વિરોધ વ્યક્ત કરી ન્યાય આપવાની માંગ સાથે ખટારા સ્ટેન્ડ પાસે આવેલી ડો.આંબેડકર ની પ્રતિમા પાસે કરાયેલ આમરણાંત ઉપવાસ આંદોલન ત્રીજા દિવસમાં પ્રવેશ્યુ હતુ.

ઉપવાસ પર બેઠેલી એક વ્યકિતનુ બ્લડપ્રેશર લો થઈ જતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.બીજી બાજુ આ જગ્યા સરકારી દવાખાના માટે ગ્રામ પંચાયત દ્વારા ફાળવાઇ હોવાનું અને કરાઇ રહેલી રજુઆત જુઠ્ઠી હોવાનુ ખડવંથલી ના સરપંચે જણાવ્યુ હતુ પ્રાપ્ત વિગત મુજબ ખડવંથલી ગામ મા બસસ્ટેન્ડ સામે આવેલું મેઘવાળ સમાજ નુ સ્મશાન ગ્રામ પંચાયત દ્વારા પંદર દિવસ પહેલાં તોડી પડાયું હોય અન્યાય ની લાગણી સાથે મેઘવાળ સમાજ નાં સાત લોકો ડો.આંબેડકરની પ્રતિમા પાસે બેસી અનશન આંદોલન શરુ કર્યુ છે.ખડવંથલી ના હકાભાઇ પરમાર, જમનભાઇ પરમાર, હરેશભાઈ પરમાર, જીતુભાઇ પરમાર, કુરજીભાઈ પરમાર તથા ભરતભાઇ પરમાર સહિત વ્યક્તિઓ અનસન પર બેઠી છે.જે પૈકી હકાભાઇ પરમાર નુ બ્લડપ્રેશર લો થઈ જતા તેમને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.અનસન પર બેઠેલા લોકોનું કહેવુ છે કે અમારૂં જુનુ સ્મશાન નદી ની પાછળ હતુ ત્યા અનેક અગવડતા પડતી હતી નદીના પાણી પણ સ્મશાન પર ફરી વળતા હતા. જેથી મેઘવાળ સમાજ દ્વારા ચાર વર્ષ થી નવુ સ્મશાન બસસ્ટેન્ડ સામે બનાવાયું છે.

જયા દફનવિધી પણ કરાઇ છે. પરંતુ ગ્રામ પંચાયત દ્વારા અહી પવનચક્કી નો રસ્તો કરવાનો છે તેવુ કહી આ સ્મશાન તોડી પડાયુ છે.ખડવંથલી નાં સરપંચ ભાવેશભાઈ કથીરીયા એ આ અંગે જણાવ્યુ કે મેઘવાળ સમાજ ના સ્મશાન માટે મુખ્ય સ્મશાન ના પાછળ ના ભાગે 28 ગુઠા જમીન વર્ષ 2015 મા ફાળવાઇ છે આ માટે મેઘવાળ સમાજ સહમત પણ બન્યો હતો.હાલ જ્યા સ્મશાન ની વાત છે તે જગ્યાનો સરકારી હોસ્પિટલ માટે વર્ષ 2013 મા ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરાયો છે.જેથી મેઘવાળ સમાજ ની રજુઆત યોગ્ય નથી.


Advertisement
Advertisement
Advertisement