વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ: નિર્વિઘ્નં કુરૂ મે દેવ: સર્વકાર્યેષુ સર્વદા

19 September 2023 11:53 AM
Rajkot Dharmik Saurashtra
  • વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ: નિર્વિઘ્નં કુરૂ મે દેવ: સર્વકાર્યેષુ સર્વદા
  • વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ: નિર્વિઘ્નં કુરૂ મે દેવ: સર્વકાર્યેષુ સર્વદા
  • વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ: નિર્વિઘ્નં કુરૂ મે દેવ: સર્વકાર્યેષુ સર્વદા

♦ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ગણેશોત્સવ ઉજવણીનો મંગલ પ્રારંભ

♦ મહોત્સવ દરમિયાન દરરોજ મહાનુભાવોના વરદહસ્તે મહાઆરતી : પંડાલોમાં લાઇટીંગ સહિતની આકર્ષક સ્ટેજ સજાવટ : અનેક સ્થળોએ ધાર્મિક કાર્યક્રમો સાથે વિવિધ સ્પર્ધા-સાંસ્કૃતિક કાર્યક્રમો : મંગલમૂર્તિ ગણેશજીની આજથી વિધિવત સ્થાપના સાથે આરાધના શરૂ : સૌરાષ્ટ્રભરમાં ગણેશોત્સવ ઉજવાશે

રાજકોટ, તા. 19
દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ મહાનગર સહિત સૌરાષ્ટ્રભરના જુદા જુદા જિલ્લાઓમાં આજથી વિઘ્નહર્તા મંગલમૂર્તિ ભગવાન ગણેશજી સ્થાપન સાથે ગણેશોત્સવનો મંગલમય પ્રારંભ થયો છે. ઠેર ઠેર સ્થળોએ સુશોભીત મંડપોમાં વહેલી સવારથી બપોર સુધીમાં ગણેશજીની મૂર્તિનું વાજતે-ગાજતે સામૈયુ કરી સ્થાપન કરવામાં આવ્યું છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગણેશ મહોત્સવ દરમિયાન દરરોજ રાત્રીના મહાનુભાવોનાં હસ્તે મહાઆરતી, પ્રસાદ વિતરણ સાથે સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો યોજાશે. વિવિધ મંડળો-સંસ્થાનાં આયોજકો દ્વારા મહોત્સવ દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સુશોભીત પંડાલોમાં વિઘ્નહર્તા દેવ ગણેશજીની વિવિધ સ્વરૂપોની મૂર્તિઓનું વિધિવત રીતે સ્થાપના સાથે આરાધના શરૂ થઇ છે. ત્રણ, પાંચ, સાત અને દસ દિવસ સુધી ભકિત ભાવે ગણેશોત્સવ ઉજવાશે.

રાજકોટ
જય ગણેશના ગગનભેદી નાદ સાથે રાજકોટમાં ત્રિકોણબાગ, કિસાનપરા ચોક, અમીન માર્ગ, કાલાવડ રોડ, સામાકાંઠે ચંપકનગર સહિતના વિવિધ વિસ્તારોમાં આજે ગણપતિ મહારાજના સ્થાપન સાથે ગણેશોત્સવ ઉજવણીનો પ્રારંભ થયો છે. દસ દિવસ રોજ સાયંકાલે મહાઆરતી તથા પ્રસાદ વિતરણ થશે. વરસાદી માહોલમાં ગણપતિ સ્થાપન કરવામાં આવેલ હતું.

અમરેલી
અમરેલી જિલ્લામાં આજથી "ગણેશોત્સવ” આસ્થાભેર પ્રારંભ થયો છે. શહેરનાં સદીઓ પુરાણા નાગનાથ મહાદેવ મંદિરમાં ગણેશોત્સવની ભવ્ય તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. સરકારવાડા, શિવપાર્ક, સીનીયર સિટીઝન પાર્ક સહિતનાં સ્થળોએ સુંદર આયોજન થયેલ છે.

અમરેલી જિલ્લામાં આજથી દેવા ઓ દેવા નાદ સાથે આસ્થા અને ઉત્સાહભેર 10 દિવસનાં ગણેશોત્સવનો પ્રારંભ થવા પામેલ છે. સમગ્ર જિલ્લામાં વાજતે-ગાજતે ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. આજથી સવાર-સાંજ પૂજા અર્ચના ઉપરાંત રાસગરબા, અન્નકૂટ, સેવાકીય કાર્યોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

અમરેલીમાં સદી પુરાણા નાગનાથ મહાદેવ મંદિર ખાતે ગણપતી સ્થાપનની તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. મંદિરનાં પટાંગણમાં વિશાળ ડોમ તૈયાર કરવામાં આવેલ છે. જયાં ગણપતિને બિરાજમાન થયા છે. તો મંદિરનાં પટાંગણમાં આવેલ સિઘ્ધિ વિનાયક મંદિરે પણ ગણપતિ ભકતો ઉમટી પડશે. તદુઉપરાંત સરકારવાડા, સિનીયર સીટીઝન પાર્ક, શિવપાર્ક સહિત શહેરનાં અનેક સ્થળોએ ગણપતિની સ્થાપના કરવામાં આવેલ છે.

સાવરકુંડલા, રાજુલા, ખાંભા, બાબરા, ધારી, બગસરા, કુંકાવાવ, વડિયા, લાઠી, દામનગર તેમજ જિલ્લાનાં હજારો પરિવારો દ્વારા પોતે પોતાનાં નિવાસ સ્થાને દુંદાળાદેવની સ્થાપન કરવામાં આવેલ છે.

દ્વારકા
વિઘ્નહર્તા દેવ ગણપતિના મહાપર્વ એવા ગણેશોત્સવની ખંભાળિયામાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. શહેર તથા આસપાસના વિસ્તારોમાં વિઘ્નહર્તા દેવને સ્થાપિત કરી, પૂજન અર્ચન માટેના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.

ખંભાળિયા શહેરના નવાપરા, રામનાથ સોસાયટી, જુની મહાજન વાડી, સહિતના સ્થળોએ ગણપતિ સ્થાપન સહિતના ધર્મમય કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. છેલ્લા બાર વર્ષથી અહીંના પોસ વિસ્તાર નવાપરા ખાતે નવાપુરા યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી આવે છે. આ વખતે પણ શેરી નંબર 6 પાસે આવેલા રામદેવપીરના મંદિર નજીક મંગળવાર તારીખ 19 થી શુક્રવાર તારીખ 29 સુધી 11 દિવસના ગણપતિ સ્થાપનના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં દરરોજ વિવિધ પ્રકારના દર્શન તેમજ પૂજન અર્ચન વચ્ચે રવિવાર તા. 24 ના રોજ વિશિષ્ટ પ્રકારની રંગોળી અને આ જ સ્થળે રાત્રે 10 વાગ્યે ગાયત્રી ગરબા મંડળના ઉપક્રમે શ્રીનાથજીની ઝાંખી સહિતના વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

અહીંના રામનાથ વિસ્તારમાં ગરબી ચોક પાસે રામનાથ સોસાયટી મિત્ર મંડળના ઉપક્રમે "રામનાથ કા રાજા" ગણપતિની મંગળવારે સ્થાપના કરવામાં આવશે. જેમાં બુધવારે દીપમાળા તથા ફ્રુટનો અન્નકૂટ, શુક્રવારે શ્રીનાથજીની ઝાંખી તથા શનિવાર તારીખ 23મી ના રોજ શોભાયાત્રા સાથે ધામધૂમપૂર્વક ગણપતિ વિસર્જનના કાર્યક્રમોનું આયોજન થયું છે.

આ ઉપરાંત ગાડીત પાળા યુવક મંડળ દ્વારા અહીંની જૂની મહાજન વાડી ખાતે ત્રણ દિવસના ગણપતિ સ્થાપનમાં આરતી, પૂજન અર્ચન તથા અન્નકૂટના દર્શન યોજવામાં આવ્યા છે. અત્રે દતાણીનગર વિસ્તારમાં સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા તારીખ 19 થી 23 સુધી ગણપતિ સ્થાપનનું સુંદર આયોજન થયું છે.

આ સાથે શહેર સાથે તાલુકાના જુદાજુદા વિસ્તારોમાં ગણપતિ મહોત્સવ યોજવામાં આવશે. આટલું જ નહીં, અનેક ભક્તો પોતાના ઘરે ત્રણ દિવસ, પાંચ દિવસ કે સાત દિવસના ગણપતિ લાવી અને પુણ્યનું ભાથું બાંધશે.

ભાવનગર
ભાવનગર શહેર માં દરવર્ષની પરંપરા મુજબ સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ ક્રેસન્ટ ચોક ભાવનગર આયોજિત સિદ્ધિવિનાયક ગણેશ મહોત્સવનો 16માં વર્ષમાં મંગલ પ્રારંભ તા.19/09/23 મંગળવારે ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુર્થીના શુભ દિને સવારે 11 કલાકે પુજન વિધી સાથે સ્થાપના કરાશે.

ગણપતિ દાદાની સવારે 7:30 કલાકે કરવામાં આવશે. આ દશ દિવસ દરમિયાન રાત્રે 8:30 કલાકે થતી આરતી પરમ પૂજ્ય સંતો-મહંતો, તમામ હિન્દુ સંગઠનો, તમામ રાજકીય પક્ષોના કેન્દ્ર, રાજ્યકક્ષાના તથા શહેરના અગ્રણીઓ નેતાગણ, કાર્યકર્તાઓ, ઉધોગપતિઓ, વેપારીઓ, સરકારી અધિકારીઓ, તમામ પત્રકાર મહાનુભાવોના શુભ હસ્તે કરાવવામાં આવશે.

દરરોજ રાત્રે 8: 30 કલાકની આરતી સુરભીબેન પરમારના મધુર સ્વરમાં ગવાશે તથા તેનું લાઈવ પ્રસારણ સમય મિડિયા દ્વારા યુ ટ્યુબથી તથા સોલંકી કેબલમાં ચેનલ નં 987, સીસીએન કેબલ ચેનલ નં 983 તથા સન્ની કેબલ ચેનલ નં 1017 પર પ્રસારિત કરવામાં આવશે.

દરરોજ રાત્રે 9 કલાકે નામી અનામી કલાકારો દ્વારા ભજનો, લોક સાહિત્ય ગીતો, હાસ્ય મનોરંજન, દેશભકિત ગીતો નૃત્યો વિગેરેનો સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તા.19/9/23 થી તા. 28/9/23 સુધી ભાવનગરની દરેક ઘર્મપ્રેમી જનતાને આ સાર્વજનિક ગણેશ મહોત્સવના દર્શનનો લાભ લેવા સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ ભાવનગરનું ભાવભર્યું આમંત્રણ પાઠવાયુ છે.

જુનાગઢ
આલા રે આલા ગણપતિ આલાના નાદ સાથે દેવાધિદેવ મા પાર્વતીના લાડલા જાયા ગણપતિ દાદાની આજે જુનાગઢ સહિત સોરઠના જીલ્લા ગામડે ગામડે શહેર શહેર મહોલ્લાઓમાં વિઘ્નહર્તા રિધ્ધિ સિધ્ધિના દાતાની ભાવ સાથે સ્થાપના કરવામાં આવી રહી છે. દુંદાળા દેવની 11 દિવસ સ્થાપના કરવામાં આવી રહી છે.

આજે સવારથી વાજતે ગાજતે સુરીલા બેન્ડવાજા અબીલ ગલાલની છોળો સાથે ગણપતિ દાદાની ઢોલ નગારા, શરણાઇના સુરો બંને પંડાલમાં દાદાની સ્થાપના ઠેર ઠેર કરવામાં આવી છે.

જુનાગઢમાં 150થી વધુ જગ્યાએ ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. જયાં ધુન-ભજન કિર્તન, પૂજન-અર્ચન-આરતી તેમજ સાંસ્કૃતિ કાર્યક્રમોના ઠેર ઠેર આયોજન કરવામાં આવી રહ્યા છે.

આપણી અંદર રહેલા ગણેશ તત્વને જાગૃત કરવાનો દિવસ : શ્રી શ્રી રવિશંકરજી
ગણેશ એ ચેતનાનું પ્રતિક છે જે સર્વવ્યાપી છે, ગણેશ આપણી બહાર કયાંય નથી પરંતુ આપણા જીવનના કેન્દ્રમાં છે
ભગવાન ગણેશને જ્ઞાન, સમૃદ્ધિ અને સૌભાગ્યના સર્વોચ્ચ દેવ તરીકે પૂજવામાં આવે છે. જો કે, ગણેશ ચતુર્થીને ભગવાન ગણેશના પ્રાગટયોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ગણેશ એ ચેતનાનું પ્રતીક છે જે સર્વવ્યાપી છે. ગણેશ આપણી બહાર ક્યાંક નથી, પરંતુ આપણા જીવનના કેન્દ્રમાં છે. પણ આ બહુ સૂક્ષ્મ જ્ઞાન છે. દરેક વ્યક્તિ સ્વરૂપ વિના નિરાકારનો અનુભવ કરી શકતો નથી.

વાસ્તવમાં ગણેશ નિરાકાર છે; તેમ છતાં એક સ્વરૂપ છે જેના માટે આદિ શંકરાચાર્યએ પ્રાર્થના કરી હતી અને તે સ્વરૂપ ગણેશની નિરાકારતાનો સંદેશ આપે છે. આમ, સ્વરૂપ પ્રારંભિક બિંદુ તરીકે કામ કરે છે અને ધીમે ધીમે નિરાકાર ચેતના પ્રગટ થવા લાગે છે. ગણેશ ચતુર્થી નિરાકાર પરમાત્મા સુધી પહોંચવાની અનન્ય કળાનું પ્રતીક છે, જેને ભગવાન ગણેશ કહેવામાં આવે છે. તેમના પ્રગટ સ્વરૂપની વારંવાર પૂજા થાય છે. ગણેશ સ્તોત્રમ પણ, ભગવાન ગણેશની સ્તુતિમાં વાંચવામાં આવતી પ્રાર્થના, તે જ સંદેશ આપે છે.

આપણી ચેતનામાં આપણે ગણેશને પ્રાર્થના કરીએ છીએ કે તે બહાર આવે અને થોડીવાર માટે આપણા માટે મૂર્તિમાં બેસે, જેથી આપણે તેની સાથે રમી શકીએ. પૂજા પછી, અમે ફરીથી પ્રાર્થના કરીએ છીએ કે તે જ્યાંથી આવ્યો હતો ત્યાં પાછો જાય એટલે કે આપણી ચેતનામાં. જ્યારે તે મૂર્તિમાં હોય છે, ત્યારે મૂર્તિની પૂજા ના માધ્યમ દ્વારા આપણે ઈશ્વર ને પાછું આપીએ છીએ. ગણેશ ચતુર્થીના તહેવાર દ્વારા ભગવાન ગણેશના પ્રાગટ્ય સ્વરૂપની પૂજા વારંવાર કરવામાં આવે છે.

તેમને મનાવવામાં આવી છે તેની સમક્ષ શરણાગતિ કરવામાં આવે છે. પૂજાના થોડા દિવસો પછી મૂર્તિઓનું વિસર્જન કરવાની પરંપરા એ સમજને મજબૂત કરે છે કે ભગવાન મૂર્તિમાં નથી, તે અંદર આપણા મા છે. તેથી, સર્વવ્યાપી સ્વરૂપનો અનુભવ કરવો અને સ્વરૂપમાંથી આનંદ મેળવવો એ ગણેશ ચતુર્થી ઉત્સવનો સાર છે. એક રીતે જોઈએ તો આવી સંગઠિત ઉજવણી અને પૂજા ઉત્સાહ અને ભક્તિમાં વધારો કરે છે.

ગણેશ આપણા બધા સારા ગુણોના સ્વામી છે. તેથી જ્યારે આપણે તેમની પૂજા કરીએ છીએ, ત્યારે આપણામાં બધા સારા ગુણો ખીલે છે. તે જ્ઞાન અને શાણપણના દેવ પણ છે. જ્ઞાન ત્યારે જ ઉત્પન્ન થાય છે જ્યારે આપણે આપણી જાત પ્રત્યે જાગૃત થઈએ. જ્યારે જડતા હોય છે ત્યારે ન તો જ્ઞાન હોય છે, ન ડહાપણ હોય છે, ન તો જીવનમાં ચેતના કે પ્રગતિ હોય છે. તેથી ચેતનાને જાગૃત કરવી પડશે અને ગણેશ ચેતનાના પ્રમુખ દેવતા છે. તેથી જ ચેતનાને જાગૃત કરવા માટે દરેક પૂજા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આપણી અંદર છુપાયેલા ગણેશ તત્વને જાગૃત કરવાનો આ ગણેશ ચતુર્થી ઉત્સવનો પ્રતિકાત્મક સાર છે.


Related News

Advertisement
Advertisement
Advertisement