વડોદરા,તા.19 : ગણેશોત્સવનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે સોમવારે વડોદરાના દાંડિયા બજાર સ્થિત આશીર્વાદ ગણેશજી પંડાલમાં બાગેશ્વરધામ સરકારથી જાણીતા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની ઉપસ્થિતિમાં આશીર્વાદ ગણેશજીને એક કરોડનું સોનાનું સિંહાસન અર્પણ કરવામાં આવ્યું હતું. શ્રીમંત એસવીપીસી ટ્રસ્ટના હરિશ ધુમાલે આ અંગે જણાવ્યું હતું કે,
વડોદરા સહિત વિશ્વભરમાં આશીર્વાદ ગણેશજીની નામના છે કેમ કે તેમની સ્થાપના 61 વર્ષ પહેલા અટેલે કે 1963માં બ્રહ્મલીન પુ.ડોંગેરેજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. આ ટ્રસ્ટ દ્વારા કોઈ ફંડફાળો ઉઘરાવવામાં આવતો નથી, પરંતુ દાનપેટીમાં ભકતો દ્વારા જે ચઢાવો આપવામાં આવે છે. તેનાથી જ અત્યાર સુધીમાં શ્રીજીને સોના અને હિરાના દાગીના સહિતની ભેંટ ધરાવવામાં આવી છે જેમ કે વર્ષ 2004માં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુવર્ણ મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો.
2006માં એલ.કે.અડવાણી દ્વારા હિરજડીત મુગટ, ભૈયુજી મહારાજના હસ્તે 2013માં સોનાનો મુગટ 2016માં સરસંઘચાલક મોહન ભાગવત દ્વારા સોનાની જનોઈ અર્પણ કરાઈ હતી. હવે એક ભકત દ્વારા આપવામાં આવેલ એક કીલો સોનું અને દાનપેટીમાં મળેલા સોનાના ઘરેણા દ્વારા સોનાનું સિંહાસન તૈયાર કરવામાં આવ્યું છે જે બાબા બાગેશ્વરધામના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે અશ્વીન પાઠક પણ ઉપસ્થિત રહ્યા હતાં.