મુંબઈ: ચાર દાયકાઓ સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનાં સ્ટાર્સને નચાવનાર કોરીયોગ્રાફર (નૃત્ય નિર્દેશક) સરોજખાનનું વર્ષ 2020 માં નિધન થયુ હતું.ત્યારબાદ તેની બાયોપિકની જાહેરાત થઈ હતી. હવે ખબર આવી છે કે બાયોપિકમાં સરોજખાનનો રોલ કરવા માધુરી દિક્ષિતના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ બારામાં સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ સરોજખાનની બાયોપિકની કથાનું લેખ હજુ પ્રારંભીક તબકકામાં છે જોકે મેકર્સ ઈચ્છે છે કે સરોજખાનની જીંદગીના જુદા જુદા પડાવોને અલગ કલાકાર નિભાવે.
મતલબ, એક છોકરી તેના બાળપણનો રોલ કરશે તો અન્ય છોકરી તેની યુવાનીમાં અને બાદની ઉંમરનો રોલ કરશે.તેમાં બાદનાં રોલ માટે માધુરીના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
આ બારામાં સરોજ ખાનની દીકરી સુકૈનાના જણાવ્યા મુજબ હજુ સુધી કોઈ નામ નકકી નથી થયુ. ફિલ્મની ટીમે મને કહ્યું છે કે જેવા તે કોઈ કલાકારને શોર્ટ લીસ્ટ કરે છે તે પરિવારને આ બારામાં વાત કરશે. આ બાયોપીકમાં ખરા કલાકારોની પસંદગી કરવી કઠીન કામ છે મને નથી લાગતૂ કે મેકર્સે કોઈ એક નામ પર વિચાર કર્યો હોય.