► ચૂંટણી ટાણે સરકાર પેટ્રોલ-ડીઝલ મોંઘા નહિં કરી શકે પણ લોનના માસિક હપ્તામાં રાહત-વ્યાજદર ઘટાડાનું ગણિત ખોરવશે
નવી દિલ્હી તા.20 : લાંબા વખતથી ખાદ્ય સહીતની ચીજોમાં મોંઘવારીનો માર સહન કરતી પ્રજાની સાથોસાથ હવે સરકારની પણ અગ્નિ પરીક્ષા થવાના એંધાણ છે. વૈશ્વીક ફૂડનો ભાવ 95 ડોલરે 10 મહિનાની ઉંચી સપાટીએ પહોંચી જતા પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાનું જોખમ સર્જાવાની ભીતિ છે. જોકે, ચૂંટણીને ધ્યાને રાખીને તેલ કંપનીઓ ગ્રાહકો પર કદાચ બોજો નહિં નાખે પરંતુ ફુગાવાને કાબુમાં લેવાનું સરકાર માટે પડકારજનક બનશે.ઉપરાંત રીઝર્વ બેન્કનું વ્યાજદરમાં રાહત આપવાનું ગણીત પણ બગડી શકે છે.
સાઉદી અરેબીયા તથા રશીયાએ ઉત્પાદન કાપનો ગાળો ડીસેમ્બર સુધી લંબાવવાનું જાહેર કરતા તથા અમેરીકાનુ ક્રુડ ઉત્પાદન મે મહિના પછીના સૌથી નીચા સ્તરે પહોંચતા વૈશ્વીક સ્તરે ક્રુડમાં તેજી થઈ છે.તેલ કંપનીઓનો પડતર ખર્ચ વધ્યો હોવા છતાં ચૂંટણીને કારણે સરકાર તેઓને ભાવ વધારા માટે મંજુરી આપી તેમ નથી.ફૂગાવો વધે તો સરકાર વિપક્ષોનું નિશાન બની શકે તેવુ પણ જોખમ ઉભુ થાય. મે 2022 થી પેટ્રોલ-ડીઝલના રીટેઈલ ભાવમાં કોઈ બદલાવ થયો નથી.
જાણકારોનાં કહેવા પ્રમાણે આવતા વર્ષે લોકસભા ચૂંટણી પૂર્વે ચાલુ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છતીસગઢ સહીતના રાજયોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.પેટ્રોલ-ડીઝલમા ભાવ વધારો ન કરાય તો સરકારી તેલ કંપનીઓએ નુકશાની ભોગવવી પડશે. ગત નાણા વર્ષનાં પ્રથમ છ માસમાં તેલ કંપનીઓને 21000 કરોડની જંગી ખોટ થઈ હતી. એક તબકકે પ્રતિલીટર, 12 થી 14 રૂપિયાનું નુકશાન હતુ. છેલ્લા મહિનાઓમાં ક્રુડ 80 ડોલર આસપાસ રહેતા રાહત થઈ હતી. પરંતુ ફરી વખત તેજીથી સરકારની અગ્નિ પરીક્ષાની આશંકા છે.
ક્રુડનો ભાવ ઉંચો જ રહેવાના સંજોગોમાં ટુંકા તથા લાંબા ગાળાએ પણ વ્યાપક અસર થઈ શકે છે. ચૂંટણી પૂર્વે મોંઘવારી કાબુમાં દર્શાવતાં રીઝર્વ બેન્ક વ્યાજદર ઘટાડશે તેવી અટકળો હતી. પરંતુ તે ઉંધી પડી શકે છે. લોકોને લોનના હપ્તામાં કોઈ રાહત નહી મળે આ સંજોગોમાં લાંબા ગાળે મોંઘવારી-ફૂગાવો વધવાનું જોખમ વધશે. જાણીતા અર્થશાસ્ત્રી ડી.કે.જોશીનાં કહેવા પ્રમાણે ક્રુડ નીચે ન આવે તો ફરી વખત મોંઘવારીનુ ચકકર શરૂ થઈ શકે છે. ત્યાર સુધી ઈંધણ અને કોર શ્રેણીનો ફૂગાવો પાંચ ટકાથી નીચે છે. જુલાઈ-ઓગસ્ટમાં ફૂગાવાના વધારા પાછળનું કારણ મોંઘી ખાદ્યચીજોનું હતું.