ગાંધીનગર: નવા સંસદ ભવનના પ્રથમ દિવસે સંસદ અને રાજય વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત બેઠકો આપવા અંગેનું વિધેયક રજૂ કરાયું હતું. આ વિધેયક પસાર થઈ ગયા બાદ, ગુજરાતમાં તેની શું અસર થશે? તેની ચર્ચા શરુ થઈ છે. વાસ્તવમાં વર્ષ 2027માં યોજાનારી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આ 33 ટકા મહિલા અનામતનો અમલ કરાય તેવી શકયતા નહિવત છે. સંભવ છે કે, જયારે વર્ષ 2029માં લોકસભાની ચૂંટણી યોજાશે ત્યારે 33 ટકા મહિલા અનામતનો અમલ શકય બની શકે છે. હાલને તબકકે ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. જેમાં 142 બેઠકો સામાન્ય ઉમેદવારો માટેની છે.
એમાં હાલને તબકકે 33 ટકા મહિલા અનામત પ્રમાણે 47 બેઠકો, અનુસૂચિત જાતિ ની 13 અનામત બેઠકોમાં 33 ટકા મહિલા અનામત મુજબ 4 બેઠકો અને અનુસૂચિત જનજાતિની 27 અનામત બેઠકોમાંથી મહિલાઓ માટે 9 અનામત બેઠકો મળીને કુલ 60 બેઠકો મહિલાઓ માટે અનામત કરવી પડે તેમ છે. એવી જ રીતે લોકસભામાં ગુજરાતની કુલ 26 બેઠકોમાંથી મહિલાઓ માટેની 33 બેઠકોને અમલ કરાય તો, 9 બેઠકો મહિલાઓની અનામત રાખવી પડે તેવી સ્થિતિ છે.
એસસી-એસટીની અનામત બેઠકમાં અમલ થશે, ઓબીસીમાં નહીં
આ વિધેયકમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામતની જોગવાઈ કરાઈ છે પણ અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે અનામતની કોઈ જોગવાઈ નથી. એનું મુખ્ય કારણ એ હોઈ શકે છે કે, બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી. આ વિધેયક મુજબ 33 ટકા મહિલા અનામત લોકસભા અને વિધાનસભાની બેઠકો માટે લાગુ કરાશે
પણ રાજયસભા અને રાજયની વિધાન પરિષદોમાં પણ લાગુ નહીં કરી શકાય. મહિલા અનામત બિલ મુજબ લોકસભા અને રાજય વિધાનસભાની એક તૃતિયાંશ બેઠકો ઉપર મહિલાઓની સીધી ચૂંટણીથી ભરાશે. આ ઉપરાંત મહિલાઓ માટે અનામત બેઠકોમાંથી એક તૃતિયાંશ બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવશે.