રાજકોટ, તા. 20
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદથી ફરી ડેમોમાં તથા નીર ઠલવાઇ રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમ્યાન રાજકોટ જિલ્લાનાં છ સહિત સૌરાષ્ટ્રનાં 17 ડેમોમાં નવા નીર ઠલવાયા છે.
ફલડ સેલમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર નાયબ કાર્યપાલક ઇજનેર, રાજકોટ સિંચાઈ વર્તુળ 1/4ના જણાવ્યા પ્રમાણે ન્યારી-1 ડેમ તેને નિર્ધારિત સપાટીએ 100 % ભરાઈ ગયો હોવાથી ગત બપોરે 4.30 વાગ્યે ન્યારી ડેમના બે દરવાજા 0.5 ફૂટે ખોલવામાં આવ્યા હતા. આથી પડધરી તાલુકાના ગોવિંદપર, ખામટા, રામપર, તરઘડી તથા વણપરી ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તથા સાવચેત રહેવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના મામલતદારની યાદીમાં જણાવાયું છે.
જયારે રાજકોટનાં આજી-2માં પોણો, આજી-3 અને ગોંડલમાં 0.16 ફુટ, ન્યારી-1 અને રમાં 0.33 ફુટ તથા ખોડાપીપરમાં દોઢ ફુટ નવું પાણી આવેલ હતું. તેમજ મોરબી જિલ્લાનાં મચ્છુ-2માં પોણો ફુટ, ડેમી-2માં દોઢ, ઘોડાધ્રોઇમાં પ.રપ ફુટ, બંગાવાડીમાં દોઢ, બ્રાહ્મણી-2માં અઢી અને મચ્છુ-3માં 1 ફુટ નવા નીરની આવક થવા પામી હતી.
ઉપરાંત જામનગર જિલ્લાનાં વિજરખીમાં અર્ધો ફુટ, ઉંડ-1માં પોણા બે ફુટ, કંકાવટીમાં 1 ફુટ અને ઉંડ-રમાં અઢી ફુટ નવા પાણીની આવક છેલ્લા ર4 કલાકમાં થવા પામી હતી.