► લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીનો આરોપ: અમોને અપાયેલ બંધારણની પ્રસ્તાવનામાંથી બે શબ્દો ગાયબ: મોદી સરકારના ઈરાદા સામે પ્રશ્ન
નવી દિલ્હી: ગઈકાલે દેશના નવા સંસદભવનમાં પ્રવેશ સમયે સરકાર દ્વારા તમામ સાંસદોને બંધારણની એક પ્રત પણ અપાઈ હતી હવે તે મુદે વિવાદ સર્જાયો છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ આરોપ મુકયો છે કે જે બંધારણની પ્રત (પુસ્તક) તેઓને અપાયું તેમાં પ્રસ્તાવનામાંજ સમાજવાદી-ધર્મનિરપેક્ષ શબ્દ ગાયબ છે.
આજે હવે આ મુદે કોંગ્રેસ પક્ષ સંસદમાં ધમાલ મચાવે તેવી ધારણા છે. શ્રી ચૌધરીએ કહ્યું કે તા.19 સપ્ટેમ્બરે તેઓને બંધારણની જે પ્રત અપાઈ તે દેશના બંધારણથી અલગ પ્રસ્તાવના ધરાવે છે. તેઓએ તે જણાવ્યું કે 1976માં તે સમયના વડાપ્રધાન ઈન્દીરા ગાંધીની સરકારે એક બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ ઉમેરાયા હતા અને તે ભારતની ઓળખ બની હતી. સમાજવાદી સમાજરચના તથા ધર્મનિરપેક્ષ એટલે કે તમામ ધર્મોનું ભારત જેને કોઈ રાજય ધર્મ નહી તે હેતુથી આ સુધારો થયો છે
પણ હવે અમોને અપાયેલી પ્રતમાં તે બન્ને શબ્દો ગાયબ છે તે બહું ચિંતાનો વિષય છે અને એ તે અમારા નેતા રાહુલ ગાંધીને પણ દેખાડયું હતું. તેઓએ ઉમેર્યુ કે અમો જો આ મુદો ઉઠાવશું તો એવો જવાબ અપાશે કે સ્વતંત્રતા સમયે બંધારણ જે અસ્તિત્વમાં આવ્યું હતું તે જ તેઓને અપાયુ છે. તેઓએ આરોપ કર્યો કે સરકારનો ઈરાદો કંઈક અલગ છે અને અમારા માટે તે ચિંતાનો વિષય છે. બંધારણમાંથી સમાજવાદી-ધર્મનિરપેક્ષ શબ્દ ચાલાકીથી દુર કરવામાં આવ્યો છે તે ગઈકાલે જ આ મુદો ઉઠાવવા કોશીશ કરી હતી પણ મને બોલવા દેવાયો ન હતો.