રાજકોટ,તા.20
ગોંડલના મોટા મહીકામાં બોલેરો અને સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા 13 વર્ષના બાળકનું મોત નિપજતાં પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે બોલેરો ચાલક સામે ગોંડલ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.બનાવ અંગે મૃતક બાળકનાં પિતા યુનુસભાઈ તમાચીભાઈ સમા (રહે.મોટામહીકા, ગોંડલ)એ પોતાની ફરીયાદમાં જણાવ્યું હતું કે તેઓને સંતાનમાં બે પુત્ર એક પુત્રી છે ગઈ તા.14ના સૌથી મોટો પુત્ર ઈજાન (ઉ.વ.13) ઘરે હતાં. ત્યારે તેને છાશ લેવા માટે બજારમાં મોકલ્યો હતો તે સાયકલને લઈ બજારમાં જતો હતો.
ત્યારે શેરીનાં વળાંકમાં સામેથી આવતા બોરેલો નં.જીજે-03-બી.વાય.7404 સાથે અકસ્માત સર્જાયો હતો. જે અંગે ગામના સરપંચે તેઓને જાણ કરતા બાળકને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં પ્રથમ ગોંડલ અને બાદમાં રાજકોટ ખસેડાયો હતો. જયાં ગઈ તા.17ના બાળકનું મોત નિપજયું હતું બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે બોેલેરોના ચાલક સામે 304 સહીતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં મૃતક બાળક ધો.7માં અભ્યાસ કરતો તો બનાવથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.