(ગની કુંભાર) ભચાઉ તા.20
તાલુકા મથક ભચાઉમાં ખેડૂત પુત્ર ઉપર પુત્રની હાજરીમાં દસેક જેટલા આરોપીઓએ બે ગાડીમાં આવી ફિલ્મી ઢબે હુમલો કરી ફરાર થઈ ગયાની ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે. ફરિયાદીને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચતા પ્રથમ ભચાઉ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે ભચાઉ પોલીસ દફતરે નોંધાયેલી ફરિયાદ અનુસાર ફરિયાદી કાનજી હીરા રાઠોડ રેલવે સ્ટેશન રોડ પર આવેલી ખાવડા સ્વીટ નામની દુકાનમાં નોકરી કરતા પોતાના પુત્ર કિરણને બાઈક વડે લેવા ગયા હતા, ત્યાંથી પરત ફરતી વેળાએ રાત્રિના 10.15 ની આસપાસ ફરિયાદીની બાઈકને ટક્કર લાગતા પિતા પુત્ર બન્ને માર્ગ પર પડી ગયા હતા. ટક્કર મરનાર ઇનોવા અને તેની પાછળ આવેલી સિફટ કારમાંથી દસેક જેટલા લોકોએ ધોકા પાઇપ સાથે માર મારવા ઉતારી પડતાં પિતા પુત્ર ગભરાઈને નજીકની પૌભાજીની દુકાનમાં પહોંચી જ્યાં ત્યાં કિરણ વીરજી દાફડા એ ફરીયાદીને ત્રિકમના હાધા વડે ડાબા હાથમાં માર માર મારતાં ગંભીર ઇજા પહોંચી હતી, બનાવ બાદ ફરીયાદીને પ્રથમ ભચાઉ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ થયેલ છે. જ્યાં ફરીને માથાના ભાગે ટાંકા અને ડાબા હાથમાં અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હોવાનું ફરિયાદમાં લખાવ્યું છે. આરોપી વીરજી દાફડા, કિરણ દાફડા, રમેશ દાફડા, રાહૂલ દાફડા, સુનીલ દાફડા, નરેશ દાફડા, ચેતન દાફડા અને ત્રણ અજાણ્યા ઇસમો સામે મારામારી, ધક ધમકી સહિતની કલમો તળે ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.