તરણેતરના મેળામાં મંત્રી મુળુભાઈએ પશુપ્રદર્શન નિહાળી પશુપાલકોને પ્રોત્સાહિત કર્યા

20 September 2023 01:40 PM
Surendaranagar
  • તરણેતરના મેળામાં મંત્રી મુળુભાઈએ પશુપ્રદર્શન નિહાળી પશુપાલકોને પ્રોત્સાહિત કર્યા
  • તરણેતરના મેળામાં મંત્રી મુળુભાઈએ પશુપ્રદર્શન નિહાળી પશુપાલકોને પ્રોત્સાહિત કર્યા

170 જેટલા પશુઓ વચ્ચે સ્પર્ધા: 1445 કિલોનો મહાકાય જાફરાબાદી પાડો બન્યો આકર્ષણનું કેન્દ્ર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.20 : સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામમાં, ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં, હાલ તરણેતરનો વિશ્વ પ્રસિદ્ધ મેળો ચાલી રહ્યો છે, ત્યારે રાજ્યના પ્રવાસન મંત્રી તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી મુળુભાઈ બેરા આજે આ મેળામાં પધાર્યા હતા. અહીં તેમણે પશુ પ્રદર્શન હરીફાઈ નિહાળી હતી અને પશુપાલકોને પ્રોત્સાહિત કર્યા હતા. મંત્રી મુળુભાઈએ પશુ પ્રદર્શન હરીફાઈમાં સૌથી પહેલા ગાય માતાનું પરંપરાગત પૂજન કર્યું હતું.

એ પછી તેમણે પશુ પ્રદર્શન રસપૂર્વક નિહાળ્યું હતું. ઉપસ્થિત પશુપાલકો સાથે વાત કરીને તેઓ પશુઓની સારસંભાળ કઈ રીતે કરે છે, તેની પણ માહિતી મેળવી હતી. આ તકે પશુપાલન ખાતાના અધિકારીઓએ મંત્રીને આ હરીફાઈના વિવિધ પાસાઓ, પશુઓની વિવિધ નસ્લો સહિતની બાબતો વગેરે અંગે માહિતગાર કર્યા હતા. આ પશુ પ્રદર્શનમાં ગીરની ગાય, જાફરાબાદી ભેંસો, પાડા વગેરે મળીને 170 જેટલા પશુઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. જેમાં સાળંગપુરનો રાજનાથ નામનો 1445 કિલોનો મહાકાય જાફરાબાદી પાડો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ તકે મંત્રી મુળુભાઈએ જણાવ્યું હતું કે, તરણેતરના મેળામાં પશુ પ્રદર્શન હરીફાઈ પણ યોજાય છે. જેમાં પશુપાલકો રાજ્યના ખૂણે-ખૂણેથી ઉચ્ચ ઓલાદનાં લક્ષણો ધરાવતા પશુઓ નિહાળી શકે છે.

પશુઓના નિભાવ અને પરિવહન પાછળ થતા ખર્ચને ધ્યાને રાખી વિજેતા પશુઓ માટે નિભાવ ખર્ચ પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. ઉપરાંત પશુના પરિવહનનો ખર્ચ પણ આપવામાં આવે છે. મહત્વનું છે કે, તરણેતર ગ્રામ પંચાયત આયોજિત આ લોકમેળામાં ચાલુ વર્ષે ત્રણ દિવસીય પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. પશુપાલકોને પ્રોત્સાહન મળી રહે તે માટે રૂ.11.37 લાખનાં કુલ 220 ઈનામો વિવિધ કેટેગરીમાં આપવામાં આવી રહ્યા છે. આ પશુ પ્રદર્શનમાં ‘ચેમ્પિયન ઓફ ધ શો’ને રૂ.51,000/- નું ઈનામ આપવામાં આવે છે.


Advertisement
Advertisement
Advertisement