ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધાઓ યુવાનો માટે રમત-ગમત ક્ષેત્રે કારકિર્દી ઘડવા મોટું પ્લેટફોર્મ સમાન : પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા

20 September 2023 01:41 PM
Surendaranagar
  • ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધાઓ યુવાનો માટે રમત-ગમત ક્ષેત્રે કારકિર્દી ઘડવા મોટું પ્લેટફોર્મ સમાન : પ્રવાસન મંત્રી  મુળુભાઈ બેરા
  • ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધાઓ યુવાનો માટે રમત-ગમત ક્ષેત્રે કારકિર્દી ઘડવા મોટું પ્લેટફોર્મ સમાન : પ્રવાસન મંત્રી  મુળુભાઈ બેરા

તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકના વિજેતાઓને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ઈનામ અપાયા

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.20 : સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતરમાં, ગ્રામ પંચાયત આયોજિત ત્રિ-દિવસીય લોકમેળામાં આજે ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધાઓની રસાકસી જામી હતી. રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ આજે મેળાની મુલાકાત દરમિયાન વિવિધ ગ્રામીણ સ્પર્ધાઓ રસપૂર્વક નિહાળી હતી. આ સાથે તેમણે વિવિધ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોને ઈનામો આપી, રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા.તરણેતરના લોકમેળામાં દર વર્ષે ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધાઓ યોજાય છે. જેમાં આસપાસના વિસ્તારના યુવાનો મોટી સંખ્યામાં જોડાય છે.

આ વર્ષે પણ ટુંકી - લાંબી દોડ, ગોળા ફેંક, લાંબી કૂદ, રિલે દોડ, નાળિયેર ફેંક, કુસ્તી, વોલીબોલ, કબડ્ડી, રસ્સા ખેંચ, સ્ટ્રોંગેસ્ટ મેન, ખાંડના લાડવા ખાવાની હરીફાઈ, સાતોડી (નારગોલ) વગેરે સ્પર્ધાઓ યોજાઈ છે. મેળામાં પધારેલા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે 100 મીટર દોડ તથા ગોળા ફેંકના વિજેતા સ્પર્ધકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ તકે મોટાભાગે ફિલ્મો તથા વિદેશોમાં જોવા મળતી ફેન્સિંગ (તલવાર સ્પર્ધાને મળતી આવતી રમત)નું પણ રાષ્ટ્રીય સ્તરે વિજેતા ખેલાડીઓએ નિદર્શન કર્યું હતું.

જેને ઉપસ્થિત મહાનુભાવોએ નિહાળ્યું હતું.આ તકે ખેલાડીઓને બિરદાવતા મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, આ ગ્રામીણ ઓલિમ્પિકની સ્પર્ધાઓમાં ભાગ લેનારા તમામને અભિનંદન પાઠવું છું. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2004થી તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકમેળામાં આ પ્રકારની ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધા યોજવાનું નક્કી કર્યું હતું. એ પછી વર્ષ 2010માં ખેલ મહાકુંભ જેવી અનેક યોજના અમલી બનાવી, રમત-ગમત માટે ખાસ બજેટ ફાળવી, જિલ્લે-જિલ્લે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ શરૂ કરાવીને

રમત-ગમતને પ્રોત્સાહન આપ્યું છે. જેના કારણે ગ્રામીણ ખેલાડીઓને રમત ગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે મોટું મંચ મળ્યું છે અને આપણા ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લેતા થયા છે. આ લોકમેળામાં ગ્રામીણ રમત-ગમત ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના વિવિધ કાર્યક્રમ યોજાય છે અને અનેક લોકો આ મેળામાં મહાલવા આવે છે. વિદેશીઓ પણ આ ભાતીગળ મેળામાં આવીને આપણી લોક સંસ્કૃતિથી પરિચિત થાય છે. તેમણે ગ્રામીણ ઓલિમ્પિકમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી હતી.


Advertisement
Advertisement
Advertisement