(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.19 : મોરબીના રફાળેશ્વર ગામે જૂની અદાવતમાં મારામારીનો બનાવ બનેલ હતો અને યુવાન ઉપર હુમલો કરીને આઠ શખ્સો દ્વારા માર મારીને લૂંટ કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે અગાઉ બે આરોપીની ધરપકડ કરી હતી આ ગુનામાં હાલમાં વધુ બે આરોપીને પકડવામાં આવેલ છે મોરબીના રફાળેશ્વર ગામે ઠાકર મંદિરની બાજુમાં રહેતા અને મંડપ સર્વિસના ધંધાર્થી ગજેન્દ્રભાઇ ઉર્ફે ગજેન રમેશભાઇ બાંભણવાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગૌતમભાઇ જયંતીભાઇ મકવાણા, અજયભાઇ જગદીશભાઇ ચૌહાણ, પારસ ઉર્ફે સુલતાન ગીરધરભાઇ વાઘેલા, મનોજ ઉર્ફે બાબો ગીરધરભાઇ વાઘેલા, અશોકભાઇ દલાભાઇ રાઠોડ, મુકેશભાઇ ઝાલા તેમજ બે અજાણ્યા માણસો સામે થોડા સમય પહેલા ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, અગાઉ થયેલા ઝઘડાનો કેસ ચાલી રહ્યો છે.
અને ફરીયાદીને મંડપ સર્વિસના કામ માટે આરોપીઓના વિસ્તારમાંથી અવાર નવાર નીકળવુ થતું હોય છે જે આરોપીઓને નહી ગમતા ફરિયાદી આરોપીના ઘર પાસેથી નીકળતા જાનથી મારી નાખવાના ઇરાદે લાકડાના ધોકા વડે માર માર્યો હતો ત્યાર બાદ ઘરે આવીને દક્ષાબેનને માર માર્યો હતો અને ફરિયાદીના પિતા રમેશભાઇની સામે રીવોલ્વર જેવુ હથીયાર તાકી ભડાકે દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ગજેન્દ્રના ખીસ્સામાંથી 13000 ની લુંટ કરી હતી અને એટ્રોસીટીની ફરીયાદ કરવાની ધમકી આપી હતી જે ગુનામાં પોલીસે અગાઉ આરોપી ગૌતમભાઈ જયંતીભાઈ મકવાણા અને મુકેશભાઇ મંગાભાઇ ઝાલાની ધરપકડ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં મોરબી તાલુકા પોલીસે આરોપી અશોકભાઇ દલાભાઇ રાઠોડ (38) અને અજયભાઇ જગદીશભાઇ ચૌહાણ (28) રહે. બંને રફાળેશ્વર વાળાની ધરપકડ કરેલ છે
બાઇક સ્લીપ
મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસેથી મોરબીની ઉમિયા સોસાયટી પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા રવિન્દ્રભાઈ દિગમભાઈ સિરપાઠ (35) નામનો યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે અકસ્માતે બાઈક સ્લીપ થતાં ઈજા થયેલ અને બીજા બનાવમાં ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા રમેશભાઈ ભલાભાઇ કોળી (23) નામનો યુવાન ટંકારા તાલુકાના સજનપર ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં તેનું બાઈક અકસ્માતે સ્લીપ થતા ઈજા થતા ખાનગી દવાખાને ખસેડાયેલ છે.