અમદાવાદ,તા.20
કોરોનાકાળ વખતથી રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં આપેલી તેજી હજુ અકબંધ છે. જમીન-મિલ્કતના ભાવ ઉંચે જઈ રહ્યા છે ત્યારે અમદાવાદમાં એક પ્લોટ અત્યાર સુધીમાં સૌથી ઉંચા-રેકોર્ડ ભાવે વેચાયો છે. એસ.જી. હાઈવે પર ઈસ્કોન સર્કલથી પ્રહલાદનગરની વચ્ચે સ્થિત 4000 વારના પ્લોટનું વેચાણના એક વારના રૂા.3.25 લાખમાં થયુ છે. અમદાવાદમાં આ સૌથી મોંઘા ભાવનો જમીન સોદો ગણાવાય છે.
રીયલ એસ્ટેટ ક્ષેત્રના સૂત્રોએ કહ્યું કે, રાજયમાં જંત્રી વધારા પછીનો સૌથી મોટો સોદો છે. જમીન ખરીદનાર ઈન્વેસ્ટર તથા ડેવલપર સંયુક્ત રીતે પ્રોજેકટ હાથ ધરશે.
જમીનનો આ સોદો એકાદ પખવાડીયા પુર્વે ફાઈનલ થયો હતો અને આવતા થોડા મહિનામાં તેની પેમેન્ટ પ્રક્રિયા પુર્ણ થઈ જશે.
આ પુર્વે ઈસ્કોન આંબલી રોડ પરનો પ્લોટ રૂા.3.11 લાખ પ્રતિ વાર તથા ઈસ્કોન સર્કલ પાસેનો પ્લોટ વારના રૂા.3 લાખ લેખે વેચાયા હતા તે ભાવ રેકોર્ડરૂપ હતો. હવે નવો રેકોર્ડ સર્જાયો છે.
અમદાવાદના એક જાણીતા ડેવલપરે કહ્યું કે, છેલ્લા કેટલાક સમયમાં અમદાવાદની ભાગોળે જમીનના કેટલાંક સોદા થયા છે. ઉપરાંત વૈષ્ણોદેવી સર્કલ તથા શિલાજમાં જોઈન્ટ વેન્ચર પ્રોજેકટ જાહેર થયા છે. હવે જમીનના ઉંચા ભાવને કારણે નવા પ્રોજેકટ મુશ્કેલ બનવા લાગ્યા છે. કારણ કે ઉંચાભાવની જમીન લેતા ડેવલપરોને પ્રોજેકટના ઉંચા ભાવથી પર્યાપ્ત રીસ્પોન્સ મળવામાં મુશ્કેલી થઈ રહી છે.
જમીનના ધોરણે તૈયાર મિલ્કતના ભાવ વધ્યા નથી. જમીન ઉપરાંત બાંધકામ ખર્ચમાં પણ તોતીંગ વધારો હોવાથી બિલ્ડરોના માર્જીનમાં દબાણ આવ્યુ છે. કેટલાક મોંઘા ભાવના પ્રોજેકટમાં બિલ્ડરોને પ્રારંભીક તકલીફો પણ થઈ હતી.
બિલ્ડર લોબીના નિર્દેશ પ્રમાણે જંત્રીદર વધારા તથા ઉંચા વ્યાજદરને કારણે છેલ્લા 3-4 મહિનાથી રીયલ એસ્ટેટ માર્કેટ ધીમી પડી ગઈ છે છતાં ભવિષ્યના સંભવિત વિકાસ અને તકને લક્ષ્યમાં રાખીને ગણતરીપૂર્વકના જોખમ લેવામાં આવી રહ્યા છે. એસ.જી. હાઈવેને લાગેવળગે છે ત્યાં સુધી વેચાણની જમીન ઓછી છે એટલે ત્યાંના ભાવ ઉંચા જ રહી શકે છે.