► ટ્રાયલ રન સફળ થવાના સંજોગોમાં 24 સપ્ટેમ્બરથી પ્રારંભ: આજે અથવા કાલે પરિક્ષણમાં ટેકનીકલ પાસા ચકાસાશે: સપ્તાહમાં છ દિવસ દોડશે
રાજકોટ તા.20 : સૌરાષ્ટ્રમાં રાજકોટ નજીક ઈન્ટરનેશનલ કાર્યરત થયા બાદ સૌરાષ્ટ્રનાં રેલવે મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્રને સૌ પ્રથમ વખત વંદે ભારત ટ્રેન ફાળવાઈ છે.રાજકોટ સહિતનાં સૌરાષ્ટ્રનાં રેલવે મુસાફરોને વધુ આરામદાયક ઝડપી રેલવે સેવા પુરી પાડવા રેલ્વે મંત્રાલય દ્વારા જામનગર-અમદાવાદ વચ્ચે વંદે ભારત એકસપ્રેસ ટ્રેન દોડાવવા નિર્ણય લીધો છે.
ઓખા-રાજકોટ-અમદાવાદ વચ્ચે ડબલ ટ્રેકમાં ઈલેકટ્રીફીકેશન થતા રાજકોટ સહીત સૌરાષ્ટ્રવાસી મુસાફરોને લાંબા રૂટની ટ્રેનોમાં અમદાવાદથી છ ટ્રેનો રાજકોટ સુધી લંબાવવામાં આવ્યા બાદ સૌ પ્રથમ વખત વંદેભારત એકસપ્રેસ ટ્રેન ફાળવવામાં આવી છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગરથી અમદાવાદ વચ્ચે વંદેભારત ટ્રેન આગામી તા.24 મી અથવા 2 જી ઓકટોબરે દોડતી થનાર છે. આજે હાપા-અમદાવાદ અને વંદેમાતરમ એકસપ્રેસ ટ્રેનનુ ટ્રાયલ લેવાશે. આ ટ્રાયલ રૂમમાં વંદે ભારત ટ્રેનને લગતા ટેકનીકલ પાસાઓ સહીતનો સર્વે કરવામાં આવશે.સર્વેમાં ઓકે રિપોર્ટ બાદ તા.24મીથી ટ્રેન દોડાવવામાં આવશે.
આ ટ્રેન જામનગરથી સવારે 5-30 કલાકે ઉપડી રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી સવારે 10-10 કલાકે પહોંચશે ચારથી સાડા ચાર કલાકમાં જ અમદાવાદ પહોંચી જવાશે. સાબરમતીથી સાંજે છ કલાકે ઉપડી આ ટ્રેન રાત્રીનાં 10-30 કલાકે જામનગર પહોંચશે. આઠ કોચની આ વંદે માતરમ ટ્રેન રાજકોટ સહિતનાં સૌરાષ્ટ્રવાસીઓને આરામદાયક ઝડપી રેલવે સેવા પુરી પાડશે. આ ટ્રેન મંગળવાર સિવાય સપ્તાહમાં છ દિવસ દોડશે. સૌરાષ્ટ્રને સૌ પ્રથમ વખત વંદે ભારત ટ્રેન ફાળવાતા રેલવે મુસાફરોની સેવામાં વધારો થતાં આનંદ છવાયો છે.