► સેન્સેકસ 800 પોઈન્ટ ગગડયો: તમામ શેરોમાં આક્રમક વેચવાલી: નિફટી પણ 20,000 ની નીચે
રાજકોટ તા.20 : મુંબઈ શેરબજારમાં તેજીના માહોલને સજજડ બ્રેક લાગી હોય તેમ મંદીનું મોજુ ફરી વળ્યુ હતું. ચારેકોર વેચવાલીથી મોટાભાગનાં શેરો ગબડયા હતા. સેન્સેકસ 800 પોઈન્ટ તૂટયો હતો. શેરબજારમાં આજે માનસ મંદીનું હતું વૈશ્ર્વીક કારણોએ ગભરાટ સર્જયો હતો. ભારત અને કેનેડા વચ્ચેનાં સંબંધોમાં એકાએક તનાવ સર્જાતા તથા વેપાર ધંધા સુધી અસર પહોંચવાની આશંકાથી સાવચેતી હતી. કેનેડાનાં પેન્શન ફંડનું ભારતમાં એક લાખ કરોડનું રોકાણ છે.
સંબંધો વધુ વણસે અને રોકાણ પાછુ ખેંચાવાના સંજોગોમાં તીવ્ર અસર ઉભી થઈ શકે છે.આ સિવાય અમેરીકી ફેડરલ રીઝર્વ આજની બેઠકમાં વધુ વ્યાજદર વધારશે એવી આશંકાનો ફફડાટ હતો. ઓગસ્ટમાં ફૂગાવો ઘટયો હોવા છતા લાંબાગાળાને લક્ષ્યમાં રાખીને વ્યાજ વધારશે તેવી શંકાવ્યકત થતી હતી. ભારતમાં સંસદનું ખાસ સત્ર ચાલુ છે કોઈ નવા જુની થાય છે કે કેમ તેના પર મીટ હતી. વિદેશી નાણા સંસ્થાઓની વેચવાલીની પણ નેગેટીવ અસર હતી. જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે અણધાર્યા નકારાત્મક કારણો ઉભા થયાનો ફફડાટ હતો,. અમેરીકી વ્યાજદરનો ફેસલો માર્કેટ માટે નિર્ણાયક બની શકે છે. આવતીકાલે અફડાતફડી રહી શકે છે.શેરબજારમાં આજે મોટાભાગનાં શેરોમાં ઘટાડો હતો.
રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા સ્ટીલ, ટાઈટન અલ્ટ્રાટ્રેક સીમેન્ટ, બજાજ ફાઈનાન્સ ભારતી એરટેલ, એચડીએફસી બેંક, હિન્દ લીવર, આઈસીઆઈસીઆઈ બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, કોટક બેંક, લાર્સન, મારૂતી, નેસલે, મારૂતી વગેરેમાં પણ ઘટાડો હતો.મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 787 પોઈન્ટના કડાકાથી 66809 હતો તે ઉંચામાં 67294 તથા નીચામાં 66728 હતો.નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 229 પોઈન્ટ ગગડીને 19903 હતો તે ઉંચામાં 20050 તથા નીચામાં 19787 હતો. મંદી માર્કેટમાં પણ નવી કંપની આર.આર.કેબલનું પ્રિમીયમી લીસ્ટીંગ થતા ઈન્વેસ્ટરોએ રાહત અનુભવી હતી.શેરનો ભાવ 14 ટકાથી લીસ્ટ થયો હતો. છેલ્લે 1201 સાંપડયો હતો. 16 ટકાનો સુધારો હતો.