મેઘરાજાની કમાલ! ઓગષ્ટની સરખામણીએ સપ્ટેમ્બરના 19 દિવસમાં 6 ગણો વધુ વરસાદ

20 September 2023 05:00 PM
Rajkot Saurashtra
  • મેઘરાજાની કમાલ! ઓગષ્ટની સરખામણીએ સપ્ટેમ્બરના 19 દિવસમાં 6 ગણો વધુ વરસાદ

♦ 24 કલાકમાં રાજયના 215 તાલુકામાં હળવો-ભારે વરસાદ

♦ ગુજરાતનો કુલ વરસાદ 101 ટકા: સૌરાષ્ટ્ર-કચ્છ સિવાયના ઝોનમાં હજુ ખાધ

રાજકોટ,તા.20
ગુજરાતમાં બે દિવસો સુધી ધમાકેદાર વરસાદ વરસાવ્યા બાદ મેઘરાજાનું જોર ધીમુ પડયુ છે. કચ્છ સિવાય સર્વત્ર મધ્યમ વરસાદ નોંધાયો હતો. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રિપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે આજે સવારે પુરા થયેલા છેલ્લા 24 કલાક દરમ્યાન રાજયના તમામ 33 જીલ્લાના 215 તાલુકાઓમાં હળવો ભારે વરસાદ થયો હતો.

કચ્છના લખપતમાં સૌથી વધુ સાત ઈંચ વરસાદથી નીચાણવાળા ભાગોમાં જળબંબાકારની હાલત સર્જાઈ હતી. રાપરમાં પાંચ ઈંચ, નખત્રાણામાં સાડા ચાર ઈંચ, માળીયા-ભુજમાં 4-4 ઈંચ વરસાદ હતો. રાજયમાં અન્ય મોટાભાગમાં વિસ્તારોમાં ઝાપટાથી માંડીને બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના અન્ય ત્રણ ઝોનમાં હજુ ખાધ હોવા છતાં ગુજરાતમાં સીઝનનો વરસાદ 100 ટકાથી વધી ગયો છે. અત્યાર સુધીમાં 101.08 ટકા વરસાદ થયો છે. કચ્છ ઝોનમાં સૌથી વધુ 158.73 ટકા, સૌરાષ્ટ્રમાં 119.68 ટકા, મધ્ય ગુજરાતમાં 96.11, ઉતર ગુજરાતમાં 95.52 ટકા તથા દક્ષિણ ગુજરાત ઝોનમાં 88.31 ટકા વરસાદ થયો છે.

હવામાન વિભાગના સૂત્રોએ કહ્યું કે અંદાજીત દોઢેક મહિના બાદ ગુજરાતમાં ફરી સક્રીય થયેલા ચોમાસાએ પાક-પાણીના મોરચે ઘણી રાહત આપી જ છે. આ ઉપરાંત ઓગષ્ટની સરખામણીએ સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં છ ગણા કરતા પણ અધિક વરસાદ થઈ ગયો છે.

સામાન્ય રીતે જુલાઈ-ઓગષ્ટમાં જ ભરચકક અને સર્વાધિક વરસાદ થતો હોય છે તેના બદલે ઓગષ્ટ મોટાભેગ કોરો જ રહ્યો હતો. આખા ઓગષ્ટ માસમાં 25.49 મીમી વરસાદ થયો હતો તેની સરખામણીએ સપ્ટેમ્બર મહિનામાં 19 દિવસમા જ આ આંકડો 168.85 મીમી થયો છે જે છ ગણાથી અધિક છે. રાજયમાં જુન માસમાં 242.96 મીમી તથા જુલાઈ મહિનામાં 448.73 મીમી પાણી વરસ્યુ હતું.

અત્યાર સુધીમાં કુલ 886.03 મીમી વરસાદ થઈ ગયો છે જે 877 મીમીની સરેરાશ કરતા વધી ગયો છે. રાજયના 251 પૈકી 40 તાલુકામાં 5થી10 ઈંચ 145 તાલુકામાં 20થી40 ઈંચ તથા 66 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement