ટોરંટો તા.21 : ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં સર્જાયેલા તણાવના વૈશ્વીક પ્રત્યાઘાતો પણ પડયા જ છે. ત્યારે અમેરીકા-ઓસ્ટે્રલીયા જેવા દેશોએ કેનેડાને સમર્થન કરીને હત્યા કેસની તપાસમાં ભારતને સહકાર આપવાનો સુર વ્યકત કર્યો છે. અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલીયાલ, ન્યુઝીલેન્ડ તથા કેનેડા એમ પાંચ દેશોની ભાગીદારી સાથે ફાઈવ આઈ ઈન્ટેલીજન્સ નામનું ગુપ્તચર સંગઠન છે.ભારત અને કેનેડા વચ્ચેનાં તણાવ વચ્ચે આ સંગઠનનાં અધિકારીઓનાં મંતવ્ય મહત્વપૂર્ણ બની જાય છે. અમેરિકી નેશનલ સિકયુરીટી કાઉન્સીલનાં કો-ઓર્ડનેટર જહોન કિર્બિએ કહ્યું કે હત્યા કેસનાં આક્ષેપો ગંભીર છે.
કેનેડા તપાસ કરે જ છે અને તેમાં અમેરીકા આગળ વધવા માંગતું નથી. આ તપાસમાં ભારત સરકાર આવે તે જરૂરી છે. પારદર્શક અને ઉંડી તપાસ જરૂરી છે. કેનેડાનાં નાગરીકોની પણ તપાસના પરીણામ પર મીટ છે.કોઈ અવરોધ વિના તપાસ થાય તે માટે અમેરિકા, ભાગીદાર રાષ્ટ્રો સાથે સતત સંપર્કમાં રહેશે. ભારત સ્થિત અમેરીકી રાજદુતે જોકે એમ કહ્યુ કે કેનેડાનાં વડાપ્રધાનના આક્ષેપો ‘તકલીફ’ સર્જે તે સ્વાભાવીક છે પરંતુ ષડયંત્રકારોને ઝડપીને ન્યાય અપાવવાનું જરૂરી છે. બીજી તરફ ઓસ્ટ્રેલીયાનાં વિદેશમંત્રી પેન્ની વોંગે પણ એમ કહ્યું હતું કે હત્યા કેસની તપાસ ચાલુ છે અને તેના પર ભાગીદાર રાષ્ટ્રો સાથે સંપર્ક છે.
ભાગીદાર રાષ્ટ્રને જરૂરી મદદ ચાલુ રખાશે. આ મુદ્દો ભારત સાથે ઉઠાવવામાં આવ્યો છે કે કેમ તે વિષે મણે કહ્યું કે ભારત સાથે આ મુદ્દે વાતચીત કરી જ છે. કેનેડાનાં વડાપ્રધાન ટ્રુડોએ નિજજરનાં મોત મામલે ભારતની સુરક્ષા-ગુપ્તચર એજન્સી સામે આંગળી ચીંધી હતી અને અમેરીકા-બ્રિટન સમક્ષ આ મુદો ઉઠાવ્યો હતો. ભારત તપાસમાં સહકાર આપે તેવી માંગ કરી હતી. ભારતે જોકે, તપાસ મામલે ચુપકીદી સેવી છે.નિજજરનું ગત જુનમાં મોત થયુ હતું. જે ખાલીસ્તાન ટાઈગર ફોર્સનો વડો હતો તેની હત્યામાં ભુમિકા હોવાનું ભારતે નકાર્યું છે.