♦ મલ્ટીપ્લેકસ એસોસીએશન ઓફ ઈન્ડિયાનો નિર્ણય
મુંબઈ: ગત વર્ષે નેશનલ સિનેમા ડેએ સસ્તા દરે ટિકીટથી બીગ સ્ક્રીન પર ફિલ્મ દર્શાવવાને મળેલી સફળતાને પગલે આ વર્ષે પણ ફરી એકવાર 13મી ઓકટોબરે માત્ર 99 રૂપિયામાં મલ્ટીપ્લેકસમાં કોઈપણ શોમાં કોઈપણ ફિલ્મ જોવા મળશે. મલ્ટી પ્લેકસ એસોસીએશન ઓફ ઈન્ડિયા અને સિનેમાએ પૂરા દેશમાં 13મી ઓકટોબરે માત્ર 99 રૂપિયામાં ફિલ્મ દર્શાવવાનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ટીકીટનો ભાવ 75 રૂપિયા હતો, આ વર્ષે 99 રૂપિયા રખાયો છે. સામાન્ય રીતે મુંબઈ તેમજ અન્ય સ્થળે મલ્ટી પ્લેકસમાં ટીકીટનો દર રૂા.200થી 2000 હોય છે. જે ફિલ્મે પાંચમી ઓકટોબરે રીલીઝ થશે તે પણ નેશનલ સિનેમા ડેનો પાર્ટ બની જશે.
મલ્ટી પ્લેકસ એસોસીએશન ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ કમલ જ્ઞાનચંદાનીએ જણાવ્યું હતું કે અગાઉ નેશનલ સિનેમા ડે 2022ને ભવ્ય સફળતા મળી હતી. દેશમાં 4000 જેટલા મલ્ટી પ્લેકસ છે જેમાં પીવીઆર, આઈનોકસ, સિનેપોલીસ, કાર્નિવલ, મિરાજ, સિટી પ્રાઈડ વગેરેની ચેન છે. આ મલ્ટી પ્લેકસમાં 13 ઓકટોબરે રૂા.99માં ફિલ્મ જોવા મળશે.