સુરત,તા.21
સુરતનાં ડુમસમાં આવેલા વીઆર મોલમાં ગણોત્સવ દરમ્યાન શ્રીજીનાં ભકતે 2655 કિલો સાબુમાંથી અનોખી શ્રીજીની પ્રતિમા બનાવી ઉજવણી કરવામાં આવી રહી છે. વિસર્જન પ્રક્રિયા બાદ આ સાબુનુ વિતરણ જરૂરીયાતમંદ લોકોને પ્રસાદ તરીકે વિતરણ કરાશે.
દર વર્ષે ગણપતિ મહોત્સવ દરમ્યાન કંઈક અનોખુ કરી યુવાનોને ધાર્મિક આસ્થા અને સર્જનાત્મક કાર્ય તરફ આકર્ષિત કરવાનાં હેતુથી આ વર્ષે ડો.અદિતિ મિતલે 2655 કિલો સાબુમાંથી ગણેશજીની અનોખી મૂર્તિ બનાવીને ડુમસમાં આવેલ VR મોલમાં રાખવામાં આવેલી આર્ટ ગેલેરીમાં મુકી છે. ડો.અદિતિ મિતલે જણાવ્યું કે અંદાજે 2655 કિલો સાબુ વડે તેમણે અગિયાર ફૂટ લાંબી અગીયાર ફૂટ પહોળી અને સાડા છ ફૂટ ઉંચી પ્રતિમા બનાવી.
ભારતના ચંદ્રયાન મિશનની થીમ પર તેમણે ભારતીય તિરંગો, ચંદ્રયાન, વિશ્વ, રોકેટ વગેરે બનાવ્યા છે અને ચંદ્રની સપાટી પણ બતાવી છે.તેમણે જણાવ્યું કે, વિસર્જન બાદ સાબુનુ જરૂરીયાતમંદ લોકોને પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવશે. ડો.અદિતિ મિતલ છેલ્લા છ વર્ષથી સતત તરબુચ, ડ્રાયફ્રૂટસ, નારીયેળ, મકાઈ વગેરેમાંથી ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મુર્તિ બનાવે છે અને વિસર્જન બાદ તેને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.