નવી દિલ્હી, તા.21 : મોબાઇલ આજના યુગમાં અનિવાર્ય જરૂરીયાત બની છે. દેશ રાજયોમાં તો તેની કુલ વસ્તી કરતા પણ મોબાઇલ વધુ છે. જેમાં ગુજરાતમાં 6.61 કરોડ મોબાઇલ સાથે 8મા ક્રમે છે. દિલ્હી, આંધ્રપ્રદેશ, કેરળ અનુક્રમે પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે છે. અહેવાલ મુજબ દિલ્હીની વસ્તી 2.15 કરોડની સામે 5.44 કરોડ મોબાઇલ, આંધ્રપ્રદેશ 5.31 કરોડની વસ્તી સામે 8.23 કરોડ તેમજ કેરળની 3.57 કરોડ વસ્તીની સામે 4.22 કરોડ મોબાઇલ છે.
જયારે ગુજરાતમાં 10 વર્ષમાં 1.28 કરોડ મોબાઇલ યુઝર્સ વધ્યા છે. દેશનાં છ રાજ્યોમાં વસતી કરતાં વધુ મોબાઇલ ફોન વપરાશમાં છે. આ રાજ્યોમાં દિલ્હી, આંધ્રપ્રદેશ, કેરળ, હિમાચલપ્રદેશ, પંજાબ, તમિલનાડુનો સમાવેશ થાય છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઑફ ઇન્ડિયા (ટ્રાઈ)ના તાજેતરના રિપોર્ટ મુજબ ગુજરાતમાં 6.61 કરોડ લોકો મોબાઇલનો ઉપયોગ કરે છે. જે દેશમાં આઠમા ક્રમે છે. આ મામલે દિલ્હી પ્રથમ છે અને રાજધાનીમાં વસતીથી અઢી ગણા મોબાઇલ ફોન ઉપયોગમાં લેવાઇ રહ્યા છે.