દસ્તાવેજ નોંધણી વખતે આધારનાં માત્ર છેલ્લા ચાર આંકડા જ દર્શાવવાનાં રહેશે

21 September 2023 11:52 AM
Gujarat Top News
  • દસ્તાવેજ નોંધણી વખતે આધારનાં માત્ર છેલ્લા ચાર આંકડા જ દર્શાવવાનાં રહેશે

ઓળખના પુરાવા તરીકે રજુ કરાયેલ આધાર કાર્ડ માત્ર ઓળખના પુરાવા તરીકે કચેરીનાં રેકર્ડમાં રાખવાનું રહેશે

અમદાવાદ તા.21 : આધાર ઈનેબલ પેમેન્ટ સિસ્ટમ-(એઈપીએસ) ના દુર ઉપયોગથી જાહેર જનતાનાં નાણાના રક્ષણ હેતુથી સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી માટે રજુ થતાં દસ્તાવેજમાં પક્ષકારોનાં (દસ્તાવેજ લખી આપનાર, લેનાર તથા ઓળખાણ આપનાર) આધાર નંબરનો ઉલ્લેખ ન કરવા જરૂરી સુચના પ્રસિધ્ધ કરવામાં આવી હતી. તેમ, નોંધણી સર નિરિક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પસ, ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યુ છે.

હવેથી દસ્તાવેજ નોંધણી વખતે સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધણી અર્થે રજુ કરવામાં આવે તે દસ્તાવેજમાં કોઈપણ પક્ષકારનાં આધાર નંબરનો ઉલ્લેખ કરવો નહિં અને જો ઉલ્લેખ કરવો જરૂરી જણાય તો આધાર નંબરના માત્ર છેલ્લા 4 અંકનો જ ઉલ્લેખ કરવો દર્શાવવાની રહેશે. યાદીમાં જણાવ્યું હતું કે દસ્તાવેજના પક્ષકારો દસ્તાવેજ કરી આપનાર, દસ્તાવેજ કરી લેનાર, અને ઓળખ આપનારનાં ઓળખના પુરાવા તરીકે આધારકાર્ડની નકલ સબ રજીસ્ટ્રાર કચેરીમાં પહેલાંની જેમ જ રજુ કરવાની રહેશે.

જયારે ઓળખના પુરાવા તરીકે આધારકાર્ડની નકલ સબ રજીસ્ટ્રાર કચેરીમાં રજુ કરવામાં આવે ત્યારે તેને દસ્તાવેજની સાથે જોડીને તેનો ભાગ બનાવવાને બદલે કચેરીનાં રેકર્ડ ઉપર જ તેની જાળવણી કરવાની રહેશે. આમ, આધાર કાર્ડને ઓળખના પુરાવા તરીકે રજુ કરવાની મનાઈ કરવામાં આવી નથી. પરંતુ જાહેર રેકર્ડનો ભાગ ન બને તે હેતુથી સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધણી થયેલ દસ્તાવેજનો ભાગ ન બનાવવાની સુચના સંબંધીતોને આપવામાં આવી છે. તેમ તેમણે વધુ વિગતો આપતા ઉમેર્યું હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement