♦ સ્વાતિ બિલ્ડકોનનાં અશોક-સાકેત અગ્રવાલની ઓફીસ-નિવાસોએ દરોડા: 35 થી 40 સ્થળોએ સર્ચ: કરોડોની કરચોરી પકડાવાની આશંકા
રાજકોટ,તા.21
તહેવારો પૂર્વે આવકવેરા વિભાગે દરોડાની હારમાળા સર્જી હોય તેમ સુરત બાદ હવે અમદાવાદને નિશાન બનાવ્યુ છે. સ્વાતિ બિલ્ડમેન નામનાં જાણીતા બિલ્ડર ઉપરાંત કેમીકલ્સ ગ્રુપ પર મોટાપાયે દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તેમાં કરોડો રૂપિયાની કરચોરી પકડાવાની આશંકા છે.
આવકવેરા વિભાગનાં ટોચનાં વર્તૂળોએ જણાવ્યું હતું કે અમદાવાદમાં જાણીતા બીલ્ડર સ્વાતિ બિલ્ડમેન પર આજે સવારથી મેગા દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે અને તેની સાથે કનેકશન ધરાવતાં કેમીકલ્સ ગ્રુપ પર પણ તવાઈ ઉતારવામાં આવી છે.
સ્વાતિ બિલ્ડમેનના માલીક ભાગીદારો અશોક અગ્રવાલ તથા સાકેત અગ્રવાલની આંબલી રોડ પર આવેલી ઓફીસો તથા નિવાસસ્થાનોએ સામુહીક દરોડા પાડવામાં આવ્યા હતા. આ સિવાય અન્ય ભાગીદારો નિશાન બન્યા હતા. આજ રીતે તેમનાં કનેકશનમાં કેમીકલ્સ ગ્રુપ પર દરોડા કામગીરી કરવામાં આવી હતી.
સુત્રોના કહેવા પ્રમાણે સંચાલકો ભાગીદારોની જુદી જુદી ઓફીસ-સાઈટ તથા નિવાસસ્થાનોને પણ સર્ચ-સર્વે કાર્યવાહીમાં આવરી લેવામાં આવ્યા હતા. 35 થી 40 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.અમદાવાદ, વડોદરા, રાજકોટ સહીતનાં શહેરોમાંથી અધિકારીઓને તેડાવવામાં આવ્યા હતા. 125 થી વધુ અધિકારીઓનો કાફલો તપાસમાં જોડાયો હતો.
પ્રાથમીક વિગતો પ્રમાણે દરોડા કાર્યવાહીમાં મોટી માત્રામાં શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતા. જેમાં કરોડો-અબજો રૂપિયાનાં વ્યવહાર થયાનું ખુલ્યુ છે. તપાસના અંતે કરોડો રૂપિયાની કરચોરી ખુલવાની આશંકા છે.
છેલ્લા દિવસોમાં ગુજરાતમાં ઈન્કમટેકસ તૂટી પડયુ હોય તેમ એક પછી એક ઓપરેશન શરૂ કરવામાં આવી રહ્યા છે.ગત સપ્તાહમાં સુરતમાં હીરાના તથા જવેલર્સ ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા હતા. તેમાં કરોડો રૂપિયાનાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો પકડાયા હતા. તેના કનેકશનમાં રાજકોટમાં સોફટવેર ડેવલપરને નિશાન બનાવીને બે સ્થળે દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી. હવે અમદાવાદમાં બિલ્ડર તથા કેમીકલ્સ જુથ પર દરોડાથી વેપાર ઉદ્યોગકારોમાં ફફડાટ સર્જાયો છે.