મહાદેવ સટ્ટા એપમાં ટોચનો અન્ય બૂકી પણ પ્રમોટર: એશિયાકપનું પરિણામ ‘એડવાન્સ’ જ આપી દીધુ હતું

21 September 2023 12:04 PM
India Sports
  • મહાદેવ સટ્ટા એપમાં ટોચનો અન્ય બૂકી પણ પ્રમોટર: એશિયાકપનું પરિણામ ‘એડવાન્સ’ જ આપી દીધુ હતું

► એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટની તવાઈ બાદ સટ્ટાએપ કાંડમાં નવા ખુલાસા

► દુબઈમાં બેઠા-બેઠા જ સમગ્ર કારોબાર ‘ઓપરેટ’ કરતો હોવાનો ધડાકો: બુકીની કંપનીમાં બોલીવુડનો ટોચનો અભિનેતા બ્રાન્ડ એમ્બેસેડર

મુંબઈ તા.21 : ઓનલાઈન સટ્ટો રમાડતી મહાદેવ એપના માલીક-સંચાલક એન્ફોર્સમેન્ટ વિભાગની કાર્યવાહી વચ્ચે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ એપનાં પ્રમોટરોમાં સૌરભ ચંદ્રાકર, તથા રવિ ઉત્પલ સિવાયનો એક મોટો બૂકી પણ સામેલ છે તે દુબઈમાં બેઠા બેઠા કારોબાર ઓપરેટ કરે છે.આ બુકીની કંપનીમાં બોલીવુડનો ટોચનો અભિનેતા બ્રાંડ એમ્બેસેડર છે.

આધારભુત સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ તાજેતરમાં જ ખત્મ થયેલા અને ભારતે જીતેલા એશીયાકપમાં ફાઈનલ મેચનાં 10 દિવસ પૂર્વેજ આ બુકીએ પોતાના ટેલીગ્રામ એકાઉન્ટ મારફત ફાઈનલમાં ભારત-પાકિસ્તાન નહિં આવવાનું અનુમાન જાહેર કરી દીધુ હતું. આ વાત સચોટ બની હોય તેમ એશીયા કપનો ફાઈનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયો હતો. તેમાં ભારતની એશીયા કપનાં ઈતિહાસની સૌથી મોટી જીત થઈ હતી. મહાદેવ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર પર ગત સપ્તાહે જ એન્ફોર્સમેન્ટ વિભાગે તવાઈ ઉતારી હતી અને 400 કરોડથી અધિકની સંપતી જપ્ત કરી હતી. ગત ફેબ્રુઆરીમાં તેના દુબઈમાં લગ્ન યોજાયા હતા.

200 કરોડ રૂપિયાનો ખર્ચ ‘રોકડે’થી કર્યો હતો અને બોલીવુડનાં એક ડઝનથી વધુ સિતારાઓએ પર્ફોમન્સ કર્યું હતું. બોલીવુડ કલાકારોને પેમેન્ટ રોકડમાં આપવામાં આવ્યું હતું.આ લગ્નમાં બોલીવુડ કલાકારોની પણ એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા પૂછપરછ કરવામાં આવનાર છે.મહાદેવ એપનાં પ્રમોટર સૌરભ ચંદ્રાકર તથા રવિ ઉત્પલ જ હોવાની માહિતી એન્ફોર્સમેન્ટ વિભાગ પાસે હતી. પરંતૂ હવે એવો ખુલાસો થયો છે કે તેમનાં દ્વારા વધુ એપ પાકિસ્તાનમાં લોંચ કરવામાં આવનાર હતી.

બોલીવુડનો ટોચનો અભિનેતા જે બુકીની કંપનીમાં બ્રાન્ડ એમ્બેસેડર છે તે બુકીની 10 સટ્ટા (બેટીંગ)એપ હાલ માર્કેટમાં છે આ બુકીની ઓફિસનું ઉદઘાટન પાંચ વર્ષ પૂર્વે બોલીવુડની અભિનેત્રીનાં હાથે કરવામાં આવ્યું હતું. આ બુકીએ કાળાનાણાંને સફેદ કાયદેસરના કરવા માટે બે કંપની ઉભી કરી છે તેમાં એક મ્યુઝીક કંપની છે અને બીજુ ટ્રાવેલ્સ કંપની છે.મ્યુઝીક કંપનીમાં બોલીવુડનો ટોચના અભિનેતા બ્રાન્ડ એમ્બેસેડર છે.આ મ્યુઝીક કંપની દુબઈ સહીતનાં વિશ્ર્વના અનેક દેશોમાં સીંગરોનાં શો કરાવે છે.

ટોચના સીંગરો તેમાં સામેલ થાય છે. ટ્રાવેલ-ટુરીઝમ કંપનીની હેડ ઓફીસ પણ દુબઈમાં છે અને ટ્રાવેલીંગ પેકેજનાં બુકીંગ દુબઈથી થાય છે પેકેજમાં વિમાની ટીકીટથી માંડીને રહેવા-જમવા-ફરવા સહીતની સુવિધાઓ સામેલ હોય છે. મહાદેવ એપ પર ઈડીની કાર્યવાહીથી ઓનલાઈન બેટીંગ એપ ધરાવતા બુકીઓમાં ફફડાટ સર્જાયો જ હતો.ખાસ કરીને વર્લ્ડકપ માથે છે તેવા સમયે બુકીઓ પર તવાઈ ઉતરતા કેવાક પ્રત્યાઘાતો પડે છે અને શું પરીણામ આવે છે તેના પર મીટ માંડવામાં આવી રહી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement