વાંકાનેર નજીક સુરેન્દ્રનગરના યુવાનને બેભાન કરી રોકડ, કાર, દાગીના સહિત 2.98 લાખની ચોરી

21 September 2023 12:10 PM
Morbi
  • વાંકાનેર નજીક સુરેન્દ્રનગરના યુવાનને બેભાન કરી રોકડ, કાર, દાગીના સહિત 2.98 લાખની ચોરી

બે શખ્સોએ ઠંડાપીણામાં નશીલો પદાર્થ પીવડાવી દીધો: મોબાઇલ પણ લેતા ગયા: આરોપીઓની શોધખોળ

(જીગ્નેશ ભટ્ટ)
મોરબી,તા.21
સુરેન્દ્રનગરમાં આવેલ ઉમિયા ટાઉનશીપની પાછળના ભાગે રણજિતનગરમાં રહેતા યુવાનને વાંકાનેર બાઉન્ડ્રીથી વાંકાનેર તરફ આવવાના રસ્તા ઉપર બે શખ્સો દ્વારા નશીલી વસ્તુ ખવડાવી ત્યારબાદ તેની પાસેથી રોકડા રૂપિયા, સોનાની વીંટી, મોબાઈલ ફોન અને ઇકો ગાડીની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરમાં આવેલ ઉમિયા ટાઉનશીપની પાછળ રણજિતનગરમાં રહેતા નાગરાજભાઈ ચંદ્રકાંતભાઈ મકવાણા રજપૂત (33)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, વાંકાનેર બાઉન્ડ્રીથી વાંકાનેર તરફ આવવાના રસ્તા ઉપર બે અજાણ્યા શખ્સોએ તેને નાસ્તા કે ઠંડાપીણામાં કંઈક નસીલી વસ્તુ ખવડાવી કે પીવડાવી દીધી હતી.

જેથી તે બેભાન થઈ જતા તેના ખિસ્સામાંથી રોકડા 3000 રૂપિયા, સોનાની 30 હજાર રૂપિયાની કિંમતની વીંટી, 15,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ તથા અઢી લાખ રૂપિયાની કિંમતની ઇકો કાર નંબર જીજે 13 એએમ 1636 ની ચોરી કરેલ છે.

આમ કુલ મળીને 2,98,000 ના મુદ્દામાલની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા યુવાન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી.વી. કાનાણી ચલાવી રહ્યા છે.


Advertisement
Advertisement
Advertisement