ગોંડલમાં હિસ્ટ્રીશીટર રામા ભરવાડની ટોળકીનો આતંક, બે’દિમાં ચોરી, વ્યાજખોરી અને મારામારીના ત્રણ ગુના

21 September 2023 12:12 PM
Gondal Crime Rajkot
  • ગોંડલમાં હિસ્ટ્રીશીટર રામા ભરવાડની ટોળકીનો આતંક, બે’દિમાં ચોરી, વ્યાજખોરી અને મારામારીના ત્રણ ગુના

♦ મારબલની દુકાન આગળથી મૂર્તિ લઈ ગયા, સ્કોર્પિયો કાર દુર લેવાનું કહેતા વાળંદ યુવાન પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

♦ 1 લાખના 18 લાખ માંગી પટેલ વૃધ્ધનું ગળુ દબાવી દીધુ, ગોંડલ બી ડિવિઝન પોલીસે ડૈયા ગામના રામા ભરવાડ સહિત ત્રણને દબોચી સરભરા કરી

રાજકોટ,તા.21
ગોંડલના ડૈયા ગામના હિસ્ટ્રીશીટર રામા ભરવાડ આરી ટોળકીએ ગોંડલ શહેરમાં આતંક મચાવ્યો છે. ગત તા.19ના ત્રણ કલાકની અંદર જ એક વૃધ્ધ અને એક વાળંદ યુવક પર હિંચકારો હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા શહેરમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. પોલીસે રામા ભરવાડ સહીત ત્રણ શખ્સોને દબોચી કાર્યવાહી હાથ ધરી હતી.

મારામારીના બનાવ અંગે ગોંડલના ગ્રીનસીટીમાં રહેતા મયુરભાઈ સંજયભાઈ રાવરાણી (ઉ.30)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રામો ભરવાડ (રહે.ડૈયા ગોંડલ), ગૌતમ અને જનકનું નામ આપતા ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસે ત્રણેય શખ્સો વિરૂધ્ધ 323, 504, 506 (2), 294 (ખ) સહીતની કલમ હેઠળ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી.

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ વાળંદ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને ગુંદાળા ચોકડી પાસે આવેલ સેન્ટર પોઈન્ટ કોમ્પલેક્ષમાં હેર સલુન આવેલ છે. ગઈ તા.19ના તેઓ દુકાને હતા ત્યારે બપોરના 1-30 વાગ્યાની આસપાસ દુકાનેથી ઘરે જમવા જવા માટે નિકળ્યા હતા અને કોમ્પલેક્ષની નીચે આવેલ પોતાની કાર લેવા ગયા ત્યારે તે કોમ્પલેક્ષમાં જ રામ ફાયનાન્સ નામની ઓફીસ ધરાવતો રામો ભરવાડની સ્કોર્પીયો કાર તેમની કાર આડે પાર્ક કરેલ હોય જેથી તેમને સ્કોર્પીયો દુર લેવાનું કહેતા દારૂના નશામાં ધૂત રામો ભરવાડ, ગૌતમ અને જનક કારમાંથી નીચે ઉતરી ગાડી પાછી નથી લેવી તારે થાય તે કરી લે કહી ગાળો આપી ફરીયાદીને માર મારી ધકકો મારી પછાડી દઈ કાંઈ બોલતો નહીં નહીંતર જાનથી મારી નાખીશ ધમકી આપી નાસી છુટયો હતો.

બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસે ગુનાના આધારે ત્રણેય શખ્સોની ધરપકડ કરી હતી. જયારે અન્ય એક ફરીયાદમાં અજયભાઈ સંજયગીરી ગોસ્વામી (ઉ.27- રહે. ગોંડલ માર્કેટીંગ યાર્ડની પાછળ ગુરૂકૃપા સોસાયટી)એ જણાવ્યું હતુું કે તેઓ ગુંદાળા ચોકડી પાસે સર્વીસ રોડ ઉપર અંબાજી મુર્તિ અને મારબલ નામની દુકાન ધરાવી વેપાર કરે છે.

ફરીયાદીએ આરોપી તરીકે રમેશ ઉર્ફે રામો હરી ગમારા અને તેની સાથેના અજાણ્યા શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે ગઈ તા.1-9ના તેઓની દુકાન બહાર રાખેલ સ્ટેચ્યુ મૂર્તિ રૂા.45 હજારની તેઓ દુકાને ગેરહાજર હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. જે બાદ તેઓના સબંધીએ જણાવ્યું હતું કે તેમની મૂર્તી રામા ભરવાડ સહીતના શખ્સો કારમાં ચોરી કરી નાસી છુટયાનું જાણ કરતો ફરીયાદ નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે ગોંડલના ગ્રીનપાર્કમાં રહેતા હંસરાજભાઈ રૈયાણી (ઉ.60) નામના પટેલ વૃધ્ધના પુત્રએ હિસ્ટ્રીશીટર રામા ભરવાડ પાસેથી પાંચ વર્ષ પહેલા લીધેલા એક લાખના રૂા.પાંચ લાખ ચુકવી દીધા છતા વધુ 18 લાખની માંગણી કરી પટેલ વૃધ્ધને સીમ વિસ્તારમાં બેફામ માર મારી ગળુ દબાવી મારી નાખવાનો પ્રયાસ કરી તેમને જીવતો સળગાવી દેવાની ધમકી આપતા ગોંડલ બી ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.

રામો ભરવાડ આણી ટોળકી વિરૂધ્ધ દારૂ સહીતના અનેક ગુના નોંધાયેલ છે
ગોંડલ શહેરમાં આતંક મચાવી બે દિવસમાં જ બે હુમલા, ધમકી, ચોરી જેવા ગુનાને અંજામ આપનાર કુખ્યાત ડૈયા ગામનો રામો ભરવાડ, ગૌતમ, જનક સહીતની આણી ટોળકી સામે દારૂ સહિતના અનેક ગુના રાજકોટ શહેર ગોંડલ સહીતના પોલીસ મથકમાં નોંધાયેલ છે. કુખ્યાત રામા ભરવાડ આણી ટોળકી સામે પોલીસ આકરી કાર્યવાહી કરે તેવી લોકોમાં પ્રબળ માંગ ઉઠી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement