ભાવનગર, તા.21
ભાવનગર જિલ્લાના મહુવામાં જાહેરાતનું બોર્ડ લગાવતા ત્રણ યુવકોને ઈલેક્ટ્રીક શોક લાગેલ તેમાંથી એક યુવાનનું મોત નીપજ્યું છે.જ્યારે બેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલ છે.
આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ મહુવા ના સ્ટેશન રોડ ઉપર આવેલ અથર્વ હાઉસ નામના બિલ્ડીંગમાં દુકાનમાં ત્રણ યુવકો જાહેરાતનું બોર્ડ લગાવતા હતા. જેમાં પીયુષભાઇ આતુભાઇ મકવાણા( ઉ.વ.20), હિરેનભાઇ જેન્તીભાઇ મકવાણા (ઉ.વ.28) તેમજ મિતેશભાઇ કેશુભાઇ મકવાણા બોર્ડ ઉપર આવેલ વિજ વાયરને અડકી
જતા ગંભીર રીતે ઇલેક્ટ્રીક શોક લાગવા પામતા ત્રણેય યુવકોને ગંભીર હાલતે મહુવાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
જ્યાં પિયુષભાઇ મકવાણા નામના યુવકનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં ભારે શોક છવાઇ જવા પામ્યો હતો. જ્યારે બે યુવકોની હાલત ગંભીર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. બનાવ બનતા મહુવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.