દિવાળીનાં તહેવારોમાં એસ.ટી. નિગમ 3500થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે

21 September 2023 12:26 PM
Rajkot
  • દિવાળીનાં તહેવારોમાં એસ.ટી. નિગમ 3500થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે

સુરત વિભાગ જ સૌથી વધુ 2500 બસોનું સંચાલન કરશે : રાજકોટ ડીવીઝન પણ 250થી વધુ બસો દોડાવશે : સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ, ગોધરા, અમદાવાદ, વડોદરા, સુરતનાં રૂટો ઉપર એકસ્ટ્રા બસો દોડાવાશે

રાજકોટ, તા. 21
હવે દિવાળીનાં તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ એસ.ટી. નિગમ રાજકોટ, સુરત સહિત રાજયનાં તમામ 16 ડિવિઝનોમાંથી વિવિધ રૂટો માટે એકસ્ટ્રા બસો દોડાવનાર છે. એસ.ટી. નિગમનાં સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ અંદાજે 3500થી વધુ એકસ્ટ્રા બસો રાજયભરમાંથી દોડાવવાનું હાલ આયોજન થઇ રહ્યું છે.

રાજકોટ એસ.ટી.વિભાગ પણ ગોધરા, પંચમહાલ, સુરત, અમદાવાદ, વડોદરા સહિતનાં રૂટો માટે 250થી વધુ એકસ્ટ્રા બસો દોડાવનાર છે. જોકે હજુ એકસ્ટ્રા બસો અંગે આયોજન ઘડવામાં આવનાર છે. સેન્ટ્રલ ઓફિસ દ્વારા રાજકોટ સહિત દરેક ડિવિઝનોને દિવાળીનાં એકસ્ટ્રા સંચાલન અંગે આયોજન ઘડવા સુચના આપી દેવાઇ છે.

રાજયમાં એકલા સુરત ડિવિઝનમાંથી જ દિવાળી ઉપર સૌથી વધુ 2500 એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન ઘડાયું છે. આ અંગેની પ્રાપ્ત વધુ વિગતો અનુસાર આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. જેને ધ્યાનમાં લઈને મુસાફરોને કોઈ અગવડતા ન પડે, તે માટે સુરત એસટી વિભાગ દ્વારા 2500 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે.

આ એક્સ્ટ્રા સંચાલન બસનું એડવાન્સ બુકિંગ ઓનલાઈન તેમજ ગ્રુપ બુકિંગ પણ આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે.સુરત એસટી વિભાગ દ્વારા લોકોને મુસાફરીમાં કોઈ અગવડતા ન પડે તે માટે વાર-તહેવાર પર એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે. એવામાં આગામી સમયમાં દિવાળીનો પર્વ આવી રહ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો માદરે વતન જતા હોય છે. આથી મુસાફરોને એસટી બસની સુવિધાનો લાભ મળી રહે તે માટે સુરત એસટી વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાત, પંચમહાલના મુસાફરો માટે 2500થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન 7-11 થી 11-11 સુધી કરવામાં આવ્યું છે.

મહત્વનું છે કે, હાલ સુરત જૂની વિભાગીય કચેરી ખાતે સીટકો અને મેટ્રો રેલનું કામ ચાલતું હોય ત્યાં જગ્યા ઉપલબ્ધ નહી હોવાથી સમગ્ર સંચાલનના સ્થળો પણ જાહેર કરવામાં આવ્યા છે. આ એક્સ્ટ્રા બસોના સંચાલનનું એડવાન્સ બુકિંગ ઓનલાઈન તેમજ ગ્રુપ બુકિંગ પણ આવતીકાલથી શરૂ કરવામાં આવશે. ગ્રુપ બુકિંગ અને એડવાન્સ બુકિંગ ઓનલાઈન સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ઉપરથી કરવામાં આવશે. આ ઉપરાંત નિગમની વેબ સાઈટ ઉપરથી પણ મુસાફરો ઓનલાઈન બુકિંગ કરાવી શકશે.

એસ.ટી. નિયામક પી,વી ગુર્જરે જાણાવ્યું હતું કે એક્સ્ટ્રા બસોનું ત્રણ પ્રકારે મુસાફરો લાભ લઈ શકશે, જેમાં કરંટ બુકિંગ એટલે કે મુસાફર ત્યાં આવશે અને જે એક્સ્ટ્રા બસ હશે તેના થકી તે મુસાફરી કરી શકશે, બીજું ઓનલાઈન બુકિંગ છે જેમાં લોકો અમારી વેબ પોર્ટલ પરથી અથવા અમારા કાઉન્ટર ઉપરથી બુકિંગ કરાવવાનું રહેશે, અને ત્રીજુ છે ગ્રુપ બુકિંગ કે જેમાં જો 50 મુસાફરો હશે તો તેઓને રહેણાક વિસ્તાર સુધી બસ જશે અને ત્યાંથી વતન સુધી બસમાં મુસાફરી કરી શકશે.

એક્સ્ટ્રા સંચાલનના સ્થળ
► ધારૂકા કોલેજ કમ્પાઉન્ડ વરાછા રોડ, સુરત :- સૌરાષ્ટ્રના મુસાફરો માટે કરંટ બુકિંગ તેમજ એડવાન્સ બુકિંગ માટે
► રામ ચોક મોટા વરાછા, એસ,એમ.સી. પ્લોટ,સુરત :- સૌરાષ્ટ્રના મુસાફરો માટે ગ્રુપ બુકિંગ
► સુરત સીબીએસની સામે જિલ્લા પંચાયતનું મેદાન :- પંચમહાલ, દાહોદ, ઝાલોદના મુસાફરો માટે
► સુરત સી.બી.એસ.બસ સ્ટેશન ઉપરથી :- અમદાવાદ, ઉતર ગુજરાત મુસાફરો માટે
► રામનગર રાંદેર રોડ, સુરત :- પંચમહાલ, દાહોદ, ઝાલોદના મુસાફરો માટે


Related News

Advertisement
Advertisement
Advertisement